MORBI:મોરબી અડધી સદીની દોસ્તી અને સંસ્મરણોની સફર — ૫૦ વર્ષ બાદ ધ.વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગુરૂજનોનું ભાવસભર સ્નેહમિલન યોજાયું


મોરબી, ૪ ઓક્ટોબર ૨૦૨૬ – મોરબી-રાજકોટ હાઈવે પર વીરપર પાસે, મહિન્દ્રા કાર શોરૂમ વાળી શેરીમાં આવેલી નાલંદા વિદ્યાલય ખાતે એક અનોખો અને ભાવુક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આજથી પાંચ દાયકા પૂર્વે મોરબીની ધ.વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં ૧૯૭૬થી ૧૯૭૮ દરમિયાન ધોરણ ૧૨ સાયન્સની પ્રથમ બેચમાં અભ્યાસ કરી ચૂકેલા ૫૦થી વધુ સહપાઠીઓ અડધી સદી બાદ પોતાના પરિવારજનો સાથે એક છત નીચે એકત્ર થયા હતા.

મુશ્કેલીઓને મહાત આપી સર કર્યા સફળતાના શિખરો – ૧૯૭૬ના એ સમયગાળામાં અમલી બનેલો નવો અભ્યાસક્રમ, સમયસર પુસ્તકોની અપ્રાપ્યતા, મર્યાદિત સાધનો અને લેબોરેટરી જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોવા છતાં, ગુરૂજનોના નિષ્ઠાવાન માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની અડગ મહેનતે વિપરીત સંજોગો સામે વિજય અપાવ્યો હતો. આ પ્રથમ બેચના વિદ્યાર્થીઓએ કઠિન પરિસ્થિતિઓમાં પણ સફળતાની કેડી કંડારી હતી. આજે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગુજરાત સહિત દેશભરમાં વિવિધ ક્ષેત્રો તથા વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને પહોંચીને રાષ્ટ્રભાવના સાથે મોરબી અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

ગુરુવંદના અને સંસ્મરણોની રમઝટ – આ સ્નેહમિલનમાં વિદ્યાર્થીઓએ તત્કાલીન ગુરૂજનોનું સન્માન કરી આદરપૂર્વક ‘ગુરુવંદના’ કરી હતી. વિદ્યાર્થી કાળની સચવાયેલી સ્મૃતિઓ, બચપણની નિર્દોષ વાતો, જૂના કિસ્સાઓ વાગોળવાની સાથે ગીત-સંગીતના સથવારે સૌએ લાગણીસભર ક્ષણો માણી હતી. પોતાના શિષ્યોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળ અને સમાજસેવામાં અગ્રેસર જોઈને ઉપસ્થિત ગુરૂજનો પણ ગર્વ અને હર્ષની લાગણીથી ભાવવિભોર બન્યા હતા.














