પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના કડિયાકામ અને બાંધકામ ક્ષેત્રે પરસેવો પાડતા શ્રમજીવી પરિવારજનોના આરોગ્ય અને પોષણ સ્તરને ઉંચું લાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૬મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો શુભારંભ કરવામાં આવશે. આ યોજના હેઠળ જિલ્લાના સાત તાલુકાઓ અને મુખ્ય કડિયાનાકાઓ પર કુલ ૦૯ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ થશે.
આ યોજના અંતર્ગત ઈ-નિર્માણ કાર્ડ ધરાવતા શ્રમિકો અને તેમના પરિવારજનોને માત્ર રૂ. ૫/- ના રાહત દરે રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ ધરાવતી સંપૂર્ણ પોષણયુક્ત થાળી પૂરી પાડવામાં આવશે. જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ નથી, તેમના માટે સ્થળ પર જ હંગામી નોંધણી કરી ૧૫ દિવસ સુધી ભોજન મેળવવાની સુવિધા અપાશે, જેથી આ સમયગાળા દરમિયાન તેમનું કાયમી ઈ-નિર્માણ કાર્ડ પણ ઇશ્યૂ થઈ શકે.
જિલ્લામાં નોંધાયેલા ૨૬,૮૧૮ શ્રમિકોમાંથી સૌથી વધુ ઘોઘંબા તાલુકામાં ૧૧,૦૩૫ અને ગોધરામાં ૪,૫૯૪ શ્રમિકો નોંધાયેલા છે.
આ યોજનાના શુભારંભ પ્રસંગે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર તેમજ સ્થાનિક ધારાસભ્યો શ્રી જેઠાભાઈ આહીર, શ્રી નિમીષાબેન સુથાર, જયદ્રથસિંહજી પરમાર, શ્રી ફતેસિંહ ચૌહાણ અને શ્રી સી.કે. રાઉલજી વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી ભોજન વિતરણ કેન્દ્રોનો પ્રારંભ કરાવશે.








