MORBI:મોરબીમાં ગેરકાયદે કતલખાના અને ખુલ્લામાં માંસ વેચાણ સામે VHP-બજરંગ દળનો ઉગ્ર વિરોધ: રજૂઆત કરનારા સ્થાનિકોને “લુખ્ખા” કહેવાતાં રોષ

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ધાર્મિક સ્થળો, રહેણાંક વિસ્તારો અને જાહેર માર્ગો પર ધમધમતા ગેરકાયદે કતલખાના તેમજ ખુલ્લામાં માંસના વેચાણ સામે વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ અને સ્થાનિક હિન્દુ સંગઠનોએ મોરચો માંડ્યો છે. છેલ્લા નવ વર્ષથી ચાલી રહેલી સ્થાનિકોની રજૂઆતો વચ્ચે તંત્રની કાર્યવાહી દરમિયાન વિરોધ કરનારાઓને “લુખ્ખા તત્વો” તરીકે સંબોધવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.

સ્થાનિક રહીશો અને વિવિધ સંગઠનોના જણાવ્યા અનુસાર, રહેણાંક સોસાયટીઓ અને મંદિરોની નજીક નિયમોને નેવે મૂકીને ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે છેલ્લા નવ વર્ષથી તંત્ર સમક્ષ સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. આ રજૂઆતોના પગલે મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાજેતરમાં સ્થળ પર જઈને નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જોકે, કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિ દ્વારા વિરોધ કરી રહેલા સ્થાનિક નાગરિકો અને સંગઠનના કાર્યકરોને “લુખ્ખા તત્વો” ગણાવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ નિવેદન સામે સંગઠનોએ આક્રોશ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો છે કે, પોતાના વિસ્તારની સમસ્યાઓ અને ધાર્મિક આસ્થાની જાળવણી માટે અવાજ ઉઠાવતા શાંતિપ્રિય સ્થાનિક રહીશો શું “લુખ્ખા” છે?
સંગઠનના અગ્રણીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમનો વિરોધ કોઈના વ્યક્તિગત ખાનપાન સામે નથી, જેને જે ખાવું હોય તેની છૂટ છે; પરંતુ ધાર્મિક સ્થળો, જાહેર માર્ગો અને રહેણાંક સોસાયટીઓની આસપાસ નિયમવિરુદ્ધ ચાલતા કતલખાના કે માંસના વેચાણને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
VHP, બજરંગ દળ અને સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ માંગ કરી છે કે આવા તત્વો સામે કડક કાયદેસર પગલાં ભરીને જાહેર સ્થળો પરથી ગેરકાયદે દબાણો અને વેચાણ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે. આગામી દિવસોમાં પણ આ મામલે કાયદેસર અને શાંતિપૂર્ણ રજૂઆતો ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.













