તહેવારોમાં મહેસાણાવાસીઓને પાર્કિંગની હાલાકી ન પડે તે માટે સાંસદની પહેલ

તોરણવાળી માતાના ચોક સામેનું રેલવે પાર્કિંગ નવરાત્રીથી દિવાળી સુધી ફ્રી કરવા DRM સમક્ષ રજૂઆત
મહેસાણા તા:
નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવતાં મહેસાણા શહેરમાં બજારો, ધાર્મિક સ્થળો અને વિવિધ કાર્યક્રમોને કારણે લોકોની અવરજવર વધવાની સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. જેને પગલે શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોમાં ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે.
સાંસદે તોરણવાળી માતાના ચોક સામે આવેલી રેલવેની પાર્કિંગ જગ્યાનો નવરાત્રીથી દિવાળી સુધી અસ્થાયી ધોરણે નિઃશુલ્ક પાર્કિંગ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવા માંગ કરી છે.આગામી તહેવારો દરમિયાન ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં બજાર વિસ્તારમાં ઉમટતા હોવાથી વાહનો પાર્ક કરવાની જગ્યા શોધવી મુશ્કેલ બનતી હોય છે. પરિણામે મુખ્ય માર્ગો પર વાહનો આડેધડ પાર્ક થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી હોય છે. રેલવેની આ જગ્યા ફ્રી પાર્કિંગ માટે ઉપલબ્ધ થાય તો નાગરિકોને વૈકલ્પિક પાર્કિંગની સુવિધા મળી શકે અને મુખ્ય માર્ગો પરનું ટ્રાફિક ભારણ ઘટાડવામાં મદદ મળી શકે છે.
મહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી રજૂઆતના આધારે સાંસદ મયંકભાઈ નાયકે DRMને પત્ર લખી રજુઆત કરી છે. રેલવે દ્વારા મંજૂરી આપવામાં આવે તો પાર્કિંગ વ્યવસ્થા, હળવી બની શકે છે આ વાહનોના પ્રવેશ-બહાર, ટ્રાફિક નિયંત્રણ સહિતની જરૂરી વ્યવસ્થા અને સંકલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. શહેરમાં તહેવારો દરમિયાન વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને વધારાની પાર્કિંગ વ્યવસ્થા ઊભી થાય તો બજાર વિસ્તાર તથા મુખ્ય માર્ગો પર થતી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે તેમ છે. નાગરિકોની સુવિધા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરાયેલી આ રજૂઆતને કારણે હવે રેલવે તંત્રની મંજૂરી તરફ મહેસાણાવાસીઓની નજર છે.










