યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમાં પોસ્ટ વિભાગની મોબાઈલ થિયેટર વાનનું આગમન, વિવિધ યોજનાઓની અપાઈ માહિતી

આધાર કાર્ડથી લઈને બચત બેંક, જીવન વીમા અને મોબાઈલ બેંકિંગ સહિતની પોસ્ટલ સેવાઓથી નાગરિકોને કરાવવામાં આવ્યા માહિતગાર
રાજુલા: ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટની વિવિધ સેવાઓ અને યોજનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી રાજુલા શહેરમાં મોબાઈલ થિયેટર વાનનું આગમન થયું હતું. પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ અને ડિજિટલ સેવાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વેપારીઓ, આગેવાનો, વિવિધ સંસ્થાઓના કાર્યકરો તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજુલા નગરપાલિકાનાં ચીફ ઓફિસર દેવીબહેન સહિત આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર દેવીબહેનને પણ પોસ્ટ વિભાગની મોબાઈલ થિયેટર વાન તેમજ પોસ્ટની વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
પોસ્ટ વિભાગ દ્વારા નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સેવાઓની જાણકારી મળી રહે તે હેતુથી આ મોબાઈલ વાન રાજુલા ખાતે લાવવામાં આવી હતી. જેમાં આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, બચત બેંક, જીવન વીમો, અકસ્માત વીમો, ફિક્સ ડિપોઝિટ, મોબાઈલ બેંકિંગ સહિતની વિવિધ સુવિધાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આજના ડિજિટલ યુગમાં પોસ્ટ વિભાગ પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બેંકિંગ ક્ષેત્રની વિવિધ સુવિધાઓ નાગરિકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. પોસ્ટની વિવિધ યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચે અને લોકોમાં આ સેવાઓ અંગે જાગૃતિ વધે તે માટે આ પ્રકારના પ્રચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
રાજુલા શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં લોકોએ મોબાઈલ થિયેટર વાનની મુલાકાત લઈને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ અને યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. કાર્યક્રમના અંતે નાગરિકોને પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ અને સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુલા પોસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા આયોજન અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવામાં આવી હતી.










