સંતરામપુરમાં દિન પ્રતિદિન વધતી ટ્રાફિક સમસ્યા…

મુખ્ય માર્ગ પર અવારનવાર ટ્રાફિક જામ થતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન —
આડેધડ પાર્કિંગ અને જાહેર માર્ગ પરના દબાણ અંગે લોકોમાં રોષ…

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર
સંતરામપુર નગરમાં દિન પ્રતિદિન વધી રહેલી ટ્રાફિક સમસ્યા હવે નગરજનો માટે માથાનો દુખાવો બની રહી છે. ખાસ કરીને એસ.ટી. બસ સ્ટેશનથી શરૂ થઈ કોલેજ રોડ પર આવેલા બેંક ઓફ બરોડા સુધીના મુખ્ય માર્ગ પર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે વાહનચાલકો ઉપરાંત પગપાળા અવરજવર કરતા રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ મુખ્ય માર્ગની બંને બાજુ રસ્તાને અડીને હાથલારીવાળા, પથારાવાળા તેમજ કેટલાક દુકાનદારો દ્વારા વેપાર માટેની સામગ્રી અને સાઇન બોર્ડ મૂકવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે જાહેર માર્ગ પર વાહનચાલકો માટે ઉપલબ્ધ જગ્યા ઘટી જતી હોવાની લોકોમાં ચર્ચા છે.
આ ઉપરાંત ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોનું આડેધડ પાર્કિંગ પણ ટ્રાફિક સમસ્યામાં વધારો કરતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. રસ્તાની બાજુમાં યોગ્ય રીતે વાહન પાર્ક કરવાને બદલે જ્યાં-ત્યાં વાહનો ઊભા રાખવામાં આવતા હોવાના કારણે મુખ્ય માર્ગ પર સતત અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનતી હોવાની રજૂઆતો થઈ રહી છે.
લોકોના જણાવ્યા મુજબ આ મુખ્ય માર્ગ ઉપર દવાખાનાઓ લેબોરેટરીઓ અને બેંક આવેલી હોવાને કારણે રાહદારીઓ અને મુસાફરોની સતત અવરજવર રહે છે, સાંજના સમયે અશોકભાઈ અને જગાભાઈ માળીના છોકરાઓ અને તેમના પરિવાર દ્વારા લીલું શાકભાજી વેચવા માટે રોડ ઉપર જ કાયમ માટે લારી મૂકી દેવામાં આવે છે જે કેટલે અંશે વ્યાજબી ગણાય???
દવાખાનાઓ આગળ તેમજ ગોધરા ભાગોળ મેન ચોકડી સરદાર વલ્લભભાઈ પટેલ ના પૂતળાની આસપાસ શાકભાજીવાળાઓ ફૂલોવાળાઓ ફ્રુટવાળાઓ રોડ ઉપર જ હારનારીમાં ધંધો કરતા હોય આ વિસ્તારનો ટ્રાફિક જામ અવારનવાર થાય છે.
મંગળવાર નો હાટ હોય તે દિવસે તો કેટલાક સ્થળોએ હાથલારીવાળા રસ્તાની નજીક અથવા વચ્ચોવચ્ચ ઊભા રહીને વેપાર કરતા હોવાની સ્થિતિ જોવા મળે છે, જ્યારે કેટલાક પથારાવાળા રસ્તાને અડીને જમીન પર બેસીને વેપાર કરતા હોવાની પણ ચર્ચા છે. આવી પરિસ્થિતિમાં વાહનોની અવરજવર માટેનો માર્ગ સાંકડો બનતો હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાતો હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે.
જાગૃતિ સાથે કડક અમલ જરૂરી
સરકારના સંબંધિત વિભાગો દ્વારા સમયાંતરે માર્ગ સલામતી અને વાહન વ્યવહાર અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. પોલીસ તંત્ર દ્વારા પણ ટ્રાફિક વ્યવસ્થા સરળ બને તે માટે જાગૃતિના પ્રયાસો કરવામાં આવે તે ખાસ જરૂરી છે.
તેમ છતાં સંતરામપુરના મુખ્ય માર્ગ પર વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને જોતા સ્થાનિક તંત્ર દ્વારા વધુ અસરકારક અને કાયમી વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત લોકો વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા તંત્ર, પોલીસ વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે મુખ્ય માર્ગનું નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં જાહેર માર્ગ પર અડચણરૂપ દબાણ કે અયોગ્ય પાર્કિંગ હોય ત્યાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થઈ શકે છે.
કાયમી ઉકેલની લોકોની માંગ
સંતરામપુરના નગરજનોની માંગ છે કે મુખ્ય માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા, રસ્તા પર અવરોધરૂપ વસ્તુઓ દૂર કરવાની કાર્યવાહી તથા ટ્રાફિક નિયમોના પાલન માટે અસરકારક અમલ કરવામાં આવે. માત્ર જાગૃતિ પૂરતી ન રહે પરંતુ નિયમોનો ભંગ થતો હોય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.
સંબંધિત તંત્ર દ્વારા આ સમગ્ર મામલે સ્થળ પર વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવામાં આવે અને નગરજનોને વારંવાર સર્જાતા ટ્રાફિક જામમાંથી કાયમી રાહત મળે તેવી પ્રબળ લોક માંગ ઉઠી રહી છે.










