રિપોર્ટર . કાદિર દાઢી.હાલોલ

તા.૫.૧૦.૨૦૨૬
પંચમહાલના હાલોલમાં મહેસૂલી વિભાગના કર્મચારીઓ આજે સોમવારના રોજ માસ CL પર ઉતરી આવ્યા છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરાયેલા આંદોલનના ભાગરૂપે હાલોલ મામલતદાર કચેરી બહાર કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.મહેસૂલી કર્મચારીઓના જણાવ્યા મુજબ, બઢતી અને બદલી, ગ્રેડ પે તથા પગાર ધોરણની વિસંગતતા, જોબ ચાર્ટ, સિનિયોરીટીના લાભ અને નાયબ મામલતદારોની બઢતી સહિત આશરે 14 જેટલા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે.આ પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં સંતોષકારક ઉકેલ નહીં આવતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં જોબ ચાર્ટમાંથી અન્ય વિભાગની વધારાની કામગીરી દૂર કરવી, નાયબ મામલતદારોની સિનિયોરીટી નક્કી કરી બઢતી આપવી, બઢતી બાદ શક્ય હોય ત્યાં સુધી મૂળ જિલ્લામાં પોસ્ટિંગ આપવું તેમજ જિલ્લા ફેરબદલી માટેની NOC પ્રક્રિયા દૂર કરી પારદર્શક ઓનલાઈન પ્રક્રિયા અમલમાં મૂકવી સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.મહેસૂલી કર્મચારીઓના માસ CLને કારણે હાલોલની SDM કચેરી, મામલતદાર કચેરી અને મહેસૂલ વિભાગને લગતી વિવિધ કામગીરી પર અસર થવાની શક્યતા છે.બીજી તરફ, સરકાર દ્વારા કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે અને માસ CL દરમિયાન ફરજથી ગેરહાજર રહેનારા કર્મચારીઓ સામે સર્વિસ બ્રેક સહિતની નિયમ મુજબની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.કર્મચારી સંગઠનનું કહેવું છે કે જો સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો 7 ઓક્ટોબર 2026થી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.











