૧૮૧ અભયમની સમજાવટથી ગર્ભવતી મહિલાને મળ્યો હક, પરિવાર વિખેરાતો બચ્યો

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગર્ભવતી પત્નીને પતિ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અને અન્ય યુવતી સાથેના સંબંધના મામલે ૧૮૧ અભયમની ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરી પરિવારને વિખેરાતો બચાવ્યો હતો. આ સમગ્ર મામલે ૧૮૧ અભયમના કાઉન્સેલર રાધા રાવતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

 

૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં એક ગભરાયેલી મહિલાનો કોલ આવ્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિના ગામની જ અન્ય યુવતી સાથે સંબંધો હોવાના કારણે પતિ તેને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યો છે. મહિલાને દોઢ વર્ષનું બાળક છે અને તે છ મહિનાની ગર્ભવતી છે. તેમ છતાં પતિ દ્વારા તેના તથા બાળકના ભરણપોષણ અને સારવારના ખર્ચમાં સહયોગ આપવામાં આવતો ન હતો.

 

આ દરમિયાન પતિ સાથે સંબંધ ધરાવતી યુવતી મહિલાના ઘરે પહોંચી તેને ધમકી આપતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. પતિના મોબાઈલમાં યુવતીનો પત્ની અંગેનો મેસેજ પણ મહિલાની નજરે પડ્યો હતો. સમગ્ર ઘટનાથી વ્યથિત મહિલાએ ૧૮૧ અભયમની મદદ માગી હતી.

 

મામલાની ગંભીરતા અને મહિલાની ગર્ભાવસ્થાને ધ્યાનમાં લઈને કાઉન્સેલર રાધા રાવત અને ૧૮૧ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે પીડિતા, તેના પતિ અને સંબંધિત યુવતીને રૂબરૂ બેસાડી સમગ્ર મામલે કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન પતિ અને યુવતીએ એકબીજા પર આક્ષેપો કરી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

કાઉન્સેલર રાધા રાવતે બંનેની રજૂઆતો સાંભળી તેમને કાયદાકીય પરિણામો તેમજ પરિવાર અને બાળકો પ્રત્યેની જવાબદારીઓ અંગે સમજ આપી હતી. ખાસ કરીને પતિને તેની ગર્ભવતી પત્ની અને માસૂમ બાળકના ભરણપોષણ તથા ભવિષ્યની જવાબદારીનું ભાન કરાવવામાં આવ્યું હતું. લાંબી સમજાવટ બાદ બંનેએ પોતાની ભૂલ સ્વીકારી હતી.

 

અંતે ત્રણેય પક્ષોની સંમતિથી સમાધાન થયું હતું. પતિએ પત્ની અને બાળકની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની ખાતરી આપી હતી. ૧૮૧ અભયમની ટીમ અને કાઉન્સેલર રાધા રાવતની સમયસરની કામગીરી તથા અસરકારક કાઉન્સેલિંગથી એક મહિલાને જરૂરી સહારો મળ્યો અને એક પરિવાર વિખેરાતો બચ્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો