દિવાળી પહેલાં સાબરકાંઠા LCBની મોટી કાર્યવાહી
પ્રાંતિજ પંથકમાં બલેનો કારમાંથી રૂ. 7.72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો; મહિલા સહિત ત્રણની ધરપકડ, બે વોન્ટેડ
પ્રાંતિજ, સાબરકાંઠા:
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંતિજ પંથકમાં રાજસ્થાનથી અમદાવાદ તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જતી સફેદ રંગની બલેનો કારને ઝડપી પાડી પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ. 7,72,547નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે ગાંભોઈ તરફથી સફેદ રંગની બલેનો કાર (નંબર GJ-27-DH-6606)માં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમે હિંમતનગર-અમદાવાદ હાઇવે પર વડવાસા પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર આવતાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કારચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવી દીધી હતી. જેથી LCBની ટીમે કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન ઓરણ ગામના કાચા રસ્તા પર કારનું ટાયર ફાટી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી. ત્યારબાદ પોલીસે કારમાં સવાર એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 491 બોટલ તથા ટીન મળી આવ્યાં હતાં. પોલીસે રૂ. 2,57,547ની કિંમતનો દારૂ-બિયર, રૂ. 15,000ના ત્રણ મોબાઇલ ફોન અને રૂ. 5 લાખની કિંમતની બલેનો કાર મળી કુલ રૂ. 7,72,547નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
આ ગુનામાં પોલીસે તુલસીબેન દિનેશભાઈ ઠાકોર (ઉંમર 60, રહે. નરોડા, અમદાવાદ), અનમોલસીંગ રણધીરસીંગ ચૌહાણ (ઉંમર 31, રહે. ઉદયપુર, રાજસ્થાન) અને મહેન્દ્ર શંકરલાલજી ટેલર (ઉંમર 35, રહે. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસ માહિતી અનુસાર, તુલસીબેન અગાઉ પણ પ્રોહિબિશનના આશરે નવ ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત તારાચંદ કાનસીંગ મીણા (રહે. રાજસ્થાન) અને સુરેશભાઈ (રહે. અમદાવાદ)ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારો પહેલાં LCBની આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
જયંતિ પરમાર સાબરકાંઠા











