તરણેતરના ભાતીગળ મેળાનુ સમાપન: અંતિમ દિવસે પોલીસ પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ

તા.17/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ

રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ, સુરેન્દ્રનગર: વિશ્વપ્રસિદ્ધ તરણેતરના લોકમેળાના અંતિમ દિવસે સમગ્ર મેળો ભક્તિ, સંસ્કૃતિ અને લોકઉત્સવના ત્રિવેણી સંગમ સાથે સંપન્ન થયો હતો. મેળાના સમાપન અવસરે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની તેમજ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તરણેતર આઉટ પોસ્ટથી પ્રસ્થાન થયેલી આ ભવ્ય ધજા યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ધજા યાત્રાના સમગ્ર રૂટ પર રાસમંડળીઓએ પરંપરાગત રાસની રમઝટ બોલાવીને માહોલને શિવમય બનાવી દીધો હતો. આંટાડી પાઘડી, રંગબેરંગી કેડિયું અને તરણેતર મેળાની ખાસ ઓળખ સમી નકશીકામ કરેલી મોરલાવાળી છત્રીઓ સાથે સજ્જ યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પુષ્પવર્ષા અને શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજારોહણ ધજા યાત્રા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ પોલીસ જવાનોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. મંદિરના મુખ્ય પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિથી ધજાનું પૂજન કરાવ્યા બાદ, ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના શિખર પર ભક્તિભાવ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે સમગ્ર મંદિર પરિસર “હર હર મહાદેવ” ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ધ્વજારોહણ બાદ મંદિર પરિસરમાં જામેલા રાસ- ગરબામાં રાસમંડળીઓ સાથે પોલીસ જવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ સમાપન આ પ્રસંગે રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, “તા. ૧૪ થી શરૂ થયેલા આ મેળામાં પ્રારંભથી જ પશુ પ્રતિયોગિતા અને લાડવા ખાવાની હરીફાઈ જેવા ગ્રામીણ આયોજનોનો સહેલાણીઓએ આનંદ માણ્યો હતો. લોકમેળાના સમાપન અવસરે પોલીસ પરિવાર અને અધિકારીઓએ ભગવાન ત્રિનેત્રેશ્વરના ચરણોમાં ધ્વજ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા છે. સમગ્ર મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત સુચારુ રહી છે અને કોઈ અપ્રિય બનાવ વિના સુરક્ષા બંદોબસ્તની સફળ પૂર્ણાહુતિ થઈ છે.”

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો