બોડેલી નગરની નામાંકિત શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે ભાદરવા સુદ ચોથથી પાંચ દિવસ માટે દુંદાળા દેવ ગણેશજીની સ્થાપના શાળા સંચાલક મંડળના કાયમી ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી સવાર-સાંજ શાળાના સ્ટાફ પરિવાર દ્વારા સેવા, પૂજા અને આરાધના કરવામાં આવ્યા બાદ, પ્રતિવર્ષની જેમ આજે પાંચમા દિવસે ગણેશજીને આન, બાન અને શાન સાથે વિદાય આપવામાં આવી હતી, જેને લઈને સવારથી જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પવિત્ર અવસરે બપોરે એક કલાકે બાપ્પાની વિદાયના માનમાં ભગવાન સત્યનારાયણ પ્રભુની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા ચંદ્રેશભાઈ અને અર્જુનભાઈએ પોતાના પરિવાર સાથે સત્યનારાયણ પ્રભુની કથાની પૂજામાં બેસવાનો લહાવો લીધો હતો અને ત્યારબાદ રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણપતિ બાપ્પાની પ્રતિમાનું શાળા પરિસરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાયમી ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલા, શાળાને હરહંમેશ મદદરૂપ થતા દાતા સિલ્વીન એડિટિવ્સનાં ડાયરેક્ટર પ્રદીપભાઈ ચોકસી, અગ્રણીઓ રાજેન્દ્રભાઈ પરીખ, ગીરીશભાઈ દલાલ, શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ તથા અંજુબેન બારિયા સહિત શાળાના શિક્ષક ભાઈ-બહેનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સહુએ ઉત્સાહભેર ગરબે ઘૂમી, આતશબાજી કરી અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે વાતાવરણને ભક્તિમય રંગે રંગી દીધું હતું.