વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
જૂન-૨૦૨૫થી ભારે વાહનો પર પ્રતિબંધ છતાં ઓવરલોડેડ વાહનો પસાર થવાના આક્ષેપો; હજારો ગ્રામજનો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ નજીક માન નદી પર આવેલો બ્રિજ તેમજ આંબા ગામ ખાતે આવેલો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલા વિલંબ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બંને બ્રિજની હાલતને પગલે રોજિંદી અવરજવર કરતા હજારો ગ્રામજનો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દર્દીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.આ સમગ્ર મામલે યુથ લીડર ડો. નિરવ પટેલ, માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ, યુથ કોંગ્રેસના આગેવાન રાહુલ પટેલ, સમસ્ત આદિવાસી સમાજ વલસાડ જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ ગરાસિયા, નરેશ પટેલ, યોગેશ પટેલ, સુનિલભાઈ, કાર્તિક અને મુકેશભાઈ સહિત આગેવાનોની ટીમે બંને સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય અને વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી બંને બ્રિજનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવાની માંગ કરવામાં આવી છે. આગેવાનોના જણાવ્યા મુજબ, કરંજવેરી અને આંબા ગામના બ્રિજ જૂન-૨૦૨૫થી ભારે વાહનો માટે સત્તાવાર રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેમ છતાં, કેટલાક વીઆઈપી હાઈવા અને ઓવરલોડેડ ટ્રકો ‘સેટિંગ’ના આધારે જર્જરિત બ્રિજ પરથી પસાર થતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ સામાન્ય મોટી બસો અને અન્ય ભારે વાહનોને પસાર થવામાં પ્રતિબંધનો સામનો કરવો પડે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
જર્જરિત બ્રિજ પરથી રોજ હજારો નાના વાહનો પસાર થાય છે. વિદ્યાર્થીઓ શાળાએ જાય છે, નોકરિયાતો કામકાજ માટે અવરજવર કરે છે અને દર્દીઓને સારવાર માટે લઈ જવામાં આવે છે. આવી સ્થિતિમાં જો બ્રિજને કોઈ નુકસાન થાય અથવા મોટી દુર્ઘટના સર્જાય તો તેના ગંભીર પરિણામોની જવાબદારી કોણ લેશે? તેવો સવાલ સ્થાનિકો અને આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
ડો. નિરવ પટેલે આક્ષેપ સાથે સરકારને સીધો સવાલ કર્યો છે કે, “મોરબી કે ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ તંત્ર જાગશે? કોઈ પરિવાર પોતાનો મોભી ગુમાવશે ત્યારે જવાબદારી કોણ લેશે? શું સરકાર માત્ર ૨-૪ લાખ રૂપિયાની સહાય આપીને પોતાની સંવેદનાઓનું નાટક કરશે?”
તેમણે વધુમાં જણાવ્યું કે, “ગંભીરા બ્રિજ માટે ગંભીર સરકાર જો એક વર્ષમાં બ્રિજ બનાવી શકતી હોય તો શું સરકાર આદિવાસી વિસ્તારના લોકો માટે ગંભીર નથી?” અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો માટે સુરક્ષિત બ્રિજ કોઈ વૈભવી સુવિધા નથી, પરંતુ જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાત છે. તેથી આ મુદ્દાને તાત્કાલિક ગંભીરતાથી લઈ સમયબદ્ધ ઉકેલ લાવવો જરૂરી છે.
આગેવાનો દ્વારા તંત્ર પાસે માત્ર આશ્વાસન નહીં પરંતુ ચોક્કસ તારીખો સાથેનો એક્શન પ્લાન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. બંને બ્રિજનું સક્ષમ અને નિષ્પક્ષ એજન્સી દ્વારા તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરાવવામાં આવે અને તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ છે. સાથે જ નવા બ્રિજ માટે વહીવટી મંજૂરી (Administrative Approval) ક્યારે મળશે, ટેન્ડર ક્યારે પાસ થશે, વર્ક ઓર્ડર ક્યારે આપવામાં આવશે, બાંધકામ કઈ તારીખથી શરૂ થશે અને નવો બ્રિજ ક્યારે પૂર્ણ કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેની સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ સમગ્ર કામગીરીના સંકલન અને દેખરેખ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવે તથા મુખ્યમંત્રી કાર્યાલયના સ્તરેથી દર ૧૫ અથવા ૩૦ દિવસે પ્રોજેક્ટની પ્રગતિનું મોનિટરિંગ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
સ્થાનિકોનો સવાલ સ્પષ્ટ છે કે, “જર્જરિત બ્રિજની સ્થિતિ તંત્રના ધ્યાન બહાર નથી, ભારે વાહનો માટે પ્રતિબંધ પણ છે, તો પછી નવા બ્રિજની કામગીરીમાં આટલો વિલંબ શા માટે?” હવે ગ્રામજનોને માત્ર આશ્વાસન નહીં પરંતુ બ્રિજના નિર્માણ માટેની તારીખ અને સમયમર્યાદા જોઈએ છે.
આગેવાનોએ અંતે ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક ગ્રામજનોને સાથે રાખીને લોકશાહી માર્ગે સામૂહિક રજૂઆતો અને ઉગ્ર જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં તંત્ર આ ગંભીર પ્રશ્નને ઉકેલે છે કે પછી ફરી એકવાર દુર્ઘટના બાદ જ તંત્રની આંખ ખૂલે છે.










