

**જય શ્રી રામ સેવા બ્લડ ગ્રુપ, ઈડર – રક્તદાન દ્વારા જીવનદાનની પવિત્ર સેવા**

ઈડરમાં સક્રિય રીતે કાર્યરત “જય શ્રી રામ સેવા બ્લડ ગ્રુપ” અનેક જરૂરિયાતમંદોને સમયસર રક્ત પહોંચાડીને જીવનદાન આપી રહ્યું છે. રક્તદાન એ મહાદાન છે. આ સેવા માત્ર રક્ત આપવાનું કાર્ય નથી, પરંતુ જીવનદાન આપવાનું પવિત્ર કાર્ય છે.
આ વોટ્સએપ ગ્રુપ કોઈ સામાન્ય ચેટિંગ માટે નથી બનાવવામાં આવ્યું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ઈમરજન્સીમાં કોઈને રક્તની જરૂર પડે અથવા જીવનમાં કોઈપણ પ્રકારની આફત કે સહાયની જરૂરિયાત ઊભી થાય, તો ગ્રુપના માધ્યમથી તાત્કાલિક મદદ મળી રહે. ગ્રુપમાં ઘણા સક્રિય અને સમર્પિત સ્વયંસેવકો છે, જેઓ કોઈપણ હોસ્પિટલ કે દવાખાનામાં રક્તની જરૂરિયાત પડે ત્યારે તરત પહોંચી જાય છે અને રક્ત પૂરું પાડે છે.
આ ગ્રુપનું નામ “જય શ્રી રામ” એટલા માટે જ રાખવામાં આવ્યું છે કે પરોપકાર અને સેવાના ભાવથી સભ્યો હંમેશા એકબીજાની પડખે ઊભા રહી શકે. ભવિષ્યમાં કોઈપણ જરૂરિયાતમંદને આ ગ્રુપ દ્વારા તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય, એવો સભ્યોનો સંકલ્પ છે.
ગ્રુપના માધ્યમથી અનેક દર્દીઓને સમયસર રક્ત મળી શક્યું છે અને તેમના જીવનને નવો આધાર મળ્યો છે. રક્તદાન જેવી મહાન સેવામાં જોડાઈને આ સ્વયંસેવકો સમાજને સાચા અર્થમાં સાર્થક સેવા આપી રહ્યા છે.
જયંતિ પરમાર સાબરકાંઠા










