તા.05/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારને જોડતો ધ્રાંગધ્રા- કુડા રોડ પર આવેલો મુખ્ય બ્રિજ છેલ્લા બે વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ લાંબા સમયથી બંધ રહેતા સ્થાનિક ૧૨ જેટલા ગામોના હજારો લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની ઘોર ઉપેક્ષા સામે રણકાંઠાના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ૧૨ ગામોના લોકોનો પ્રાંત કચેરીએ મોરચો
આ ગંભીર સમસ્યાને લઈને જેસડા, નરાળી, કુડા, કોપરણી, વીરેન્દ્રગઢ, સતાપર, સજનપુર, કંટાવા, એજાર અને નિમકનગર સહિતના ૧૨થી વધુ ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈને ધ્રાંગધ્રા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવીને બંધ પડેલા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરી તેને તાત્કાલિક વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવા જોરદાર માગ કરી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બ્રિજ બંધ હોવાના કારણે વૈકલ્પિક રસ્તેથી લાંબુ અંતર કાપીને જવું પડે છે, જેનાથી સમય અને ઈંધણનો આર્થિક વ્યય થાય છે. સૌથી વધુ કપરી સ્થિતિ ઈમરજન્સી સમયે સર્જાય છે, જ્યારે કોઈ દર્દી કે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાના હોય ત્યારે યોગ્ય રસ્તાના અભાવે જીવનું જોખમ ઊભું થાય છે. સ્થાનિકોએ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે તીખો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “સુરેન્દ્રનગરનો દૂધરેજ પુલ માત્ર ૭ મહિનામાં બનીને તૈયાર થઈ જાય છે, તો રણકાંઠાના ૧૨ ગામના લોકો સાથે આવો અન્યાય કેમ કરવામાં આવે છે?” ૨ વર્ષથી બંધ પડેલા આ બ્રિજના નિર્માણમાં કોઈ નેતા કે અધિકારી રસ દાખવી રહ્યા નથી. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ બ્રિજ નવો બનાવવાની કે રિપેરિંગની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આવનારી તમામ ચૂંટણીઓમાં ૧૨ ગામના લોકો એકજૂટ થઈને મતદાનનો બહિષ્કાર કરશે.










