વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

શિક્ષણ એ વ્યક્તિના વિકાસની સાથે સમગ્ર સમાજના ઉત્થાનનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે તેમજ તેઓ ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ, મુંબઈની નવસારી શાખા દ્વારા તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ટ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારીની મોઢ ઘાંચી ગાંધીવાડી ખાતે યોજાયેલા આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા સમાજના હોનહાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર, સ્કોલરશીપ તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કુલ ૧૧૦ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૭ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને ૧૨ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો સાચો પાયો’ના વિચારને સાકાર કરવાનો છે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સતત મહેનત કરી ઉચ્ચ શિક્ષણ મેળવવા તથા પોતાની સફળતાનો લાભ સમાજ અને દેશના વિકાસમાં આપવા આહ્વાન કર્યું હતું.
વિદ્યાર્થીઓને સન્માન અને આર્થિક સહાય આપવાના આ પ્રયાસથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થવાની સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળી છે. આવા કાર્યક્રમો માત્ર પુરસ્કાર વિતરણ પૂરતા સીમિત ન રહેતા સમાજમાં શિક્ષણનું મહત્વ વધારવા અને આવનારી પેઢીને પ્રગતિના માર્ગે આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે ભારતીબેન સુરતી, નરેન્દ્રભાઈ રાઠોડ, બચુભાઈ પટેલ, રર્મિલાબેન પટેલ, ડો. જીગ્નેશભાઈ પરમાર, માલતિબેન માહ્યાવંશી, નટવરભાઈ માહ્યાવંશી, અજયભાઈ પટેલ, રણજીતરાય પટેલ, નગીનભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ સહિત સંઘના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ તથા સમાજના ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










