તા.૫/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
ઐતિહાસિક વારસા અંગે છાત્રોમાં સમજ કેળવવા ઈન્ટેક- રાજકોટ ચેપ્ટરની અનોખી પહેલ
Rajkot: ઐતિહાસિક સ્થળને માત્ર જોવાને બદલે તેને અનુભવવું, નિરીક્ષણ કરવું, પ્રશ્નો પૂછવા અને તેની સાથે સંવાદ સાધવો — આ વિશેષ અભિગમ સાથે ઈન્ટેક રાજકોટ ચેપ્ટર દ્વારા રોઝરી સ્કૂલ, રાજકોટના ધોરણ ૯ના ૭૫ વિદ્યાર્થીઓ માટે ખંભાળીડાની બૌદ્ધ શિલાકોતર ગુફાઓ અને નજીક આવેલા બૌદ્ધ વિહાર ખાતે ‘વારસા-શિક્ષણ’ અને ‘વારસા-અર્થઘટન’નો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એક જ સ્થળને વિવિધ દ્રષ્ટિકોણથી સમજવાની તક આપવામાં આવી હતી. આ સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખંભાળીડાના સ્થાપત્ય, શિલ્પ, અવકાશ, બૌદ્ધ પરંપરા અને સ્થળની સાંસ્કૃતિક સ્મૃતિને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ તકે વિદ્યાર્થીઓ માટે ખાસ Observation & Sketching Activity યોજાઈ હતી. જેમાં તેમને ઈમારત અને તેના વિવિધ ઘટકોને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી, વિગતો ઓળખી અને તેને સ્કેચ દ્વારા વ્યક્ત કરવાની તક મળી.
બૌદ્ધ સ્થળના મૂળભૂત સ્વભાવને સમજાવવા માટે વિદ્યાર્થીઓને Meditation Session દ્વારા શાંતિ, એકાગ્રતા અને આંતરિક અનુભૂતિ સાથે જોડવામાં આવ્યા. ત્યારબાદ Rock-cut Architectureને સમજાવતી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ખડકમાંથી રચાયેલા અવકાશ, શિલ્પ અને સ્થાપત્ય વચ્ચેનો સંબંધ સમજ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે Detective Gameનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તેમને ગુફાઓ અને શિલ્પોમાં છુપાયેલી વિવિધ વિગતો શોધવાની, સંકેતો ઓળખવાની અને પોતાના અવલોકનના આધારે જવાબો શોધવાની તક મળી હતી. આ પ્રવૃત્તિએ ઐતિહાસિક સ્થળને એક રસપ્રદ ‘ક્લૂ’ તરીકે રજૂ કર્યું અને વિદ્યાર્થીઓને સક્રિય રીતે સ્થળ વાંચવા પ્રેરિત કર્યા હતા.
વિદ્યાર્થીઓને બૌદ્ધ ધર્મ, તેના વિચારો અને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ પરંપરાની હાજરી અંગે ઐતિહાસિક સંદર્ભ આપવામાં આવ્યો. ગુફાઓને માત્ર એક સ્મારક તરીકે નહીં, પરંતુ વિશાળ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં સમજાવવામાં આવી હતી.
આ સાથે Music Session દ્વારા વિદ્યાર્થીઓએ અવાજ, સંગીત અને સંવેદનાત્મક અનુભૂતિને વારસા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પહેલ અંગે ઈન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહે જણાવ્યું હતું કે, “AIના યુગમાં ઐતિહાસિક સ્થળ વિશેની માહિતી મેળવવી અત્યંત સરળ બની છે. પરંતુ માહિતી અને અનુભૂતિ વચ્ચેનો તફાવત મહત્વનો છે. અનુભવ દ્વારા વારસાની સમજ અને અર્થઘટન વિદ્યાર્થીઓને સ્થળને માત્ર જાણવા નહીં, પરંતુ તેને જોવાની, અનુભવવાની, પ્રશ્ન કરવાની અને અર્થઘટન કરવાની તક આપે છે. ભવિષ્યમાં હેરિટેજ ટૂરિઝમ પણ માત્ર સ્થળદર્શન પૂરતું ન રહીને આવા અર્થસભર અનુભવો તરફ આગળ વધવું જરૂરી છે.”
આ સમગ્ર આયોજન ઈન્ટેક રાજકોટના સભ્યો તેમજ કલાકાર જયેશ શુક્લા, આર્કિટેક્ટ ભવ્ય બલદેવ, Heritage Enthusiast હરિઓમ ગોહિલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસ વિષયના અનુસ્નાતક વિભાગના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મુલાકાતના પ્રી-વિઝિટ સંકલન માટે મિતેશ જોશીનો વિશેષ સહયોગ રહ્યો હતો.
રોઝરી સ્કૂલ, રાજકોટના ડિરેક્ટર ડૉ. વિશાલ વારિયાએ આવા કાર્યક્રમોના મહત્વને સ્વીકારતાં જણાવ્યું કે “વર્ગખંડની બહાર ઐતિહાસિક સ્થળ સાથે સીધો સંવાદ વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ રસપ્રદ, સક્રિય અને યાદગાર બનાવે છે.”
આ તકે ઈન્ટેક રાજકોટ ચેપ્ટરે રોઝરી સ્કૂલના શૈક્ષણિક સંયોજક રશ્મિ પંડ્યા તથા તમામ શિક્ષકોનો પણ આભાર માન્યો હતો. દક્ષાબેન વારા, હેમંગી માધક અને કૃપા તન્ના સહિતના શિક્ષકોના સહયોગથી આ અનુભવ વધુ અર્થસભર બન્યો હતો.











