તા.૫/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
૨૪ ગામોમાં પાણી પુરવઠા યોજનાના રૂ. ૫૦ લાખના વિકાસ કાર્યો તેમજ ધોરાજીના મોટી પરબડી અને ભુતવડ ગામ ખાતે સામુહિક શૌચાલયની સૈદ્ધાંતિક મંજૂરી આપતા કલેક્ટરશ્રી
કલેક્ટરશ્રીએ પેયજળ સંબંધિત પ્રગતિ હેઠળના કામો સમયસર પૂર્ણ કરવા પર ભાર મુક્યો
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજ રોજ કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં પેયજળ સંબંધિત ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો તેમજ ગ્રામીણ જળ પુરવઠા યોજનાઓની સમીક્ષા કરી હતી.

આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામ્ય પાણી પુરવઠા યોજના હેઠળ ૨૪ ગામોમાં અંદાજિત રૂ. ૫૦ લાખના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ ઉપરાંત, તેમણે તાલુકાવાર યાંત્રિક અને સિવિલ વિભાગના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને નિર્ધારિત સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
વધુમાં, આ બેઠકમાં પંપ ઓપરેટરોને ગુજરાત પાણી પુરવઠા બોર્ડના હેડવર્કસ ખાતે તાલીમ આપવા, પાણી વેરા વસૂલાતમાં ક્ષમતાવર્ધન હાથ ધરવા અને પાણીની ગુણવત્તા ચકાસણીની કામગીરી સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા કરાઈ હતી. કલેક્ટરશ્રીએ જિલ્લામાં જૂથ સુધારણા યોજના અંતર્ગત ખૂટતા સ્ટોરેજના સંપ રદ કરવા બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજનાની રકમ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ હેઠળના કામોની મરામત અને નિભાવણીમાં સ્વસહાય જૂથોની ભાગીદારી તથા પાણી પુરવઠા કચેરીની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ વ્યક્તિગત શૌચાલય, સામૂહિક શૌચાલય, સેગ્રીગેશન શેડ, સામુહિક કમ્પોસ્ટ પીટ, સામુહિક સોકપીટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ગોબરધન યોજનાના પૂર્ણ થયેલા, હાલ ચાલુ હોય તેવા અને બાકી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી હતી, તેમજ ધોરાજી તાલુકાના મોટી પરબડી અને ભુતવડ ગ્રામ પંચાયત ખાતે સામુહિક શૌચાલયો બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
આ તકે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી ટીના કલ્યાણ, વાસ્મો યુનિટ મેનેજર શ્રી ડી. એસ. બારીયા, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર શ્રી અંકિતભાઈ ગોહેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ, સ્વચ્છ ભારત મિશન જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી મીનાક્ષીબેન કાચા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.











