
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગર દ્વારા ધોરણ-૬ થી ૮ અને ધોરણ-૧૧, ૧૨ ના આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને કોર્ટની કામગીરીથી અવગત કરાવી કાનૂની જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું
*

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગર દ્વારા DAR-AL-ARQAM PUBLIC SCHOOLના ધોરણ ૬ થી ૮ તથા Olive English Schoolના ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત બંને શાળાના વિદ્યાર્થીઓને હિંમતનગર મુકામે આવેલ જિલ્લા અદાલતની મુલાકાત કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કોર્ટની વિવિધ કામગીરી, ન્યાયિક પ્રક્રિયા તથા ન્યાય વ્યવસ્થાના કાર્ય અંગે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ કોર્ટની કામગીરીને નજીકથી નિહાળી ન્યાયિક તંત્ર અંગે વ્યવહારુ સમજ મેળવી હતી.ત્યારબાદ જિલ્લા અદાલતના સેમિનાર રૂમ ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભિક સત્રમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના સચિવશ્રી સી. પી. ચારણ દ્વારા વિદ્યાર્થીઓને મફત કાનૂની સલાહ અને કાનૂની સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતી કાનૂની સેવાઓ, કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયા તેમજ NALSA દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કાનૂની અને કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિને કાનૂની માર્ગદર્શન અથવા સહાયની જરૂર હોય ત્યારે NALSA Toll Free Helpline No. 15100 ઉપર સંપર્ક કરી શકાય છે તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પ્રિન્સિપાલ ફેમિલી જજ શ્રી બી. જી. ગોલાણી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખાસ કરીને POCSO Act, મહિલાઓના કાનૂની અધિકારો અને રક્ષણાત્મક કાયદાઓ તથા Family Courtની કામગીરી અંગે વિદ્યાર્થીઓને સરળ અને સમજણસભર ભાષામાં માહિતી આપી હતી.
બાળકોની સુરક્ષા, મહિલાઓના અધિકારો તથા પરિવાર સંબંધિત વિવાદોના કાયદેસર નિરાકરણ માટે ફેમિલી કોર્ટની ભૂમિકા અંગે પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠાના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી એમ. પી. પુરોહિત સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને અત્યંત મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માનનીય અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને ભારતના બંધારણ, બંધારણીય મૂલ્યો, મૂળભૂત અધિકારો અને નાગરિકોની ફરજો અંગે માહિતગાર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે ભારતનું બંધારણ દેશના શાસનતંત્રનું મૂળ આધારસ્તંભ છે અને દરેક નાગરિકે બંધારણના મૂલ્યોનું જતન કરી કાયદાનું પાલન કરવું જોઈએ.
આ સાથે વિદ્યાર્થીઓને આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ એવા Cyber Crime તથા NDPS Act અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સાયબર જગતમાં સાવચેતી રાખવા, સોશિયલ મીડિયા તથા ડિજિટલ માધ્યમોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવા તેમજ સાયબર ગુનાઓથી બચવા જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તે જ રીતે NDPS Act અંતર્ગત નશીલા અને મન:પ્રભાવક પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગ તથા તેની ગંભીર કાનૂની અને સામાજિક અસરો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા અને સ્વસ્થ તથા જવાબદાર જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે જાગૃતિ, પોતાના અધિકારો અને ફરજો અંગે સમજ, બાળ સુરક્ષા, મહિલા સુરક્ષા, સાયબર સુરક્ષા, નશામુક્તિ તથા બંધારણીય મૂલ્યો પ્રત્યે સન્માનની ભાવના વિકસાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તથા વિવિધ કાનૂની વિષયો અંગે માહિતી મેળવી હતી. કોર્ટની મુલાકાત દ્વારા પ્રત્યક્ષ અનુભવ અને ત્યારબાદ નિષ્ણાત ન્યાયિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ કાનૂની માર્ગદર્શનના સંયોજનથી સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બન્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સુધી “કાયદો જાણો – અધિકારો ઓળખો – ફરજો નિભાવો – જવાબદાર નાગરિક બનો” નો મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારી-કર્મચારીઓ, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ અને તમામ વિદ્યાર્થીમિત્રોએ આપેલ સહકાર બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા










