
નવરાત્રીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં નવરાત્રીના સ્વાગત માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બોડેલીના ઐતિહાસિક ગરબી ચોક ખાતે છેલ્લા 90 વર્ષથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે ખોડિયાર ચોકનો નવરાત્રી મહોત્સવ આ વર્ષે 61મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. વર્ષો જૂની પરંપરા, શ્રદ્ધા અને સંસ્કૃતિના સંગમ સમાન આ મહોત્સવને લઈને આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોડેલીના ગરબી ચોક, ખોડિયાર મંદિર, ગંગાનગર અને ગજાનંદ પાર્ક સહિતના વિસ્તારોમાં નવ દિવસ સુધી ગરબાના આયોજન કરવામાં આવ્યાં છે. નવરાત્રી દરમિયાન માતાજીની આરતી અને ગરબાના તાલે ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમશે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ લોકોની આસ્થા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખી રહી છે. હવે સૌની નજર નવરાત્રીના પ્રથમ નોરતા પર છે, જ્યારે બોડેલી નગર ભક્તિ, પરંપરા અને ગરબાની રમઝટ સાથે નવરાત્રીના પાવન પર્વને આવકારવા સજ્જ બન્યું છે.

રિપોર્ટર તોસીફ ખત્રી










