MORBI:મોરબી રંગપર પાસે સિરામિક ફેક્ટરીમાં કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર રીતે ઘવાયેલા પરપ્રાંતીય શ્રમિકનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. કન્વેયર બેલ્ટમાં જમણો હાથ આવી જતાં ગંભીર રીતે ઘવાયેલા મધ્યપ્રદેશના ૩૮ વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

બનાવની વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રંગપર ગામની સીમમાં સ્થિત ‘મારબીજ સિરામિક’ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા વિનોદભાઇ રામપ્રસાદ નટ (ઉં.વ. ૩૮) ગત તારીખ ૧૭/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૧ વાગ્યાના સુમારે ફેક્ટરીના માટી ખાતામાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમનો જમણો હાથ ચાલુ કન્વેયર બેલ્ટમાં આવી જતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ નાજુક બનતાં આખરે તેમનો જીવ બચી શક્યો ન હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.














