
સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના આઇકોનિક માર્ગ પર ઓઇલ ઢોળાઈ જતાં માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું હતું. માર્ગ પર ઓઇલના કારણે રસ્તો લપસણો બનતાં અનેક વાહનચાલકો પોતાનાં વાહનો પરનો કાબૂ ગુમાવી માર્ગ પર પટકાયા હતા. આ ઘટનામાં અનેક વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
માર્ગ પર અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે વાહનચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જાહેર માર્ગ પર ઓઇલ ઢોળાવાની ઘટનાને પગલે અન્ય વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા ઊભી થઈ હતી. ત્યારે માર્ગ પરથી ઓઇલ દૂર કરી રસ્તો સુરક્ષિત બનાવવા તેમજ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.










