તા.21/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


60-60 મીટરના જાડા ઇલેક્ટ્રિક વાયર, નાના કેબલ અને કાર્ટૂન સહિતના સામાનની ચોરી અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા તસ્કરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે લીંબડી હાઇવે પર વસતડી ગામ નજીક આવેલી ‘ફૂલનાથ સ્ટોન’ નામની ક્વોરીમાંથી રૂ. ૪ લાખથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા ચોર શખ્સો મોડી રાત્રે અથવા વહેલી સવારે તકનો લાભ ઉઠાવી કિંમતી કસર અને ઇલેક્ટ્રિક કેબલ ચોરીને ફરાર થઈ ગયા છે. મળતી વિગતો અનુસાર, લીંબડી ખાતે રહેતા અને ફૂલનાથ સ્ટોનના માલિક દિલીપભાઈ તુલસીશંકર યાજ્ઞિકને સવારે આશરે ૮ વાગ્યાના સુમારે તેમની સ્ટોન ક્વોરી પર ફરજ બજાવતા ચોકીદાર બળવંતભાઈનો ફોન આવ્યો હતો. ચોકીદારે માલિકને જાણ કરી હતી કે વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પ્લાન્ટમાં તપાસ કરતા ઇલેક્ટ્રિક રૂમથી કસર સુધીના મુખ્ય વાયરો ગાયબ જોવા મળ્યા હતા. માલિક દિલીપભાઈ તાબડતોબ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું હતું કે, અજાણ્યા તસ્કરો દ્વારા ૬૦-૬૦ મીટરની લંબાઈ ધરાવતા છ મોટા તથા જાડા ઇલેક્ટ્રિક કોપર વાયર, અન્ય નાના કેબલ વાયરો તેમજ કાર્ટૂન સહિતનો મોંઘોદાટ સામાન ચોરી કરી જવામાં આવ્યો છે. ચોરાયેલા તમામ કોપર વાયરની અંદાજિત કિંમત રૂપિયા ૪ લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ સનસનાટીભર્યા બનાવો અંગે સ્ટોન માલિક દિલીપભાઈ યાજ્ઞિકે જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા ચોર શખ્સો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળનું પંચનામું કરી તસ્કરોનું સુરાગ મેળવવા સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીઓ અને સ્થાનિકોમાં વધતી ચોરીઓને લઇને ચિંતા વ્યાપી છે ત્યારે ફૂલનાથ સ્ટોનના માલિકે પોલીસ તંત્ર ઝડપથી તસ્કરોને શોધી કાઢી મુદ્દામાલ રિકવર કરે તેવી આશા અને માંગ વ્યક્ત કરી છે.








