તા.21/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


22થી વધુ ગામોની ફળદ્રુપ જમીન અને આરોગ્ય જોખમાવાની ભીતિ; 4 દિવસથી અનશન પર બેઠેલા ગ્રામજનોની આત્મ વિલોપન અને રસ્તા રોકો આંદોલનની ચીમકી, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક સરકાર દ્વારા ‘દેવયોગી હેલ્થ કેર’ નામની મેડિકલ વેસ્ટ નિકાલ કરતી કંપનીના પ્લાન્ટને મંજૂરી અપાતા સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. આ બાયો-મેડિકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં આસપાસના 22થી વધુ ગામોના ગ્રામજનો છેલ્લા ચાર દિવસથી અનશન છાવણી ઊભી કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનશનના ચોથા દિવસે દશેરાના પાવન પર્વે ગ્રામજનો અને સરપંચોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવી ‘દેવયોગી કંપની’ના નામના રાવણના પૂતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, પ્લાન્ટની મંજૂરી મળતા જ પ્રથમ તબક્કામાં ગ્રામજનો, ખેડૂતો અને 20થી વધુ ગામોના સરપંચો દ્વારા મુખ્યમંત્રી, પર્યાવરણ મંત્રી, જિલ્લા કલેક્ટર તેમજ સ્થાનિક ધારાસભ્યને લેખિત ભલામણ પત્રો સાથે રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોએ આ પ્લાન્ટ રદ કરવા માગ કરી હતી, છતાં તંત્ર અને સરકાર દ્વારા આ બાયો- મેડિકલ વેસ્ટ પ્લાન્ટને લીલીઝંડી આપી દેવામાં આવતા ખેડૂતો અને ગ્રામજનો મજબૂર બનીને ઉગ્ર આંદોલનના માર્ગે વળ્યા છે. આ વિરોધ પ્રદર્શન અંગે સોલડીના સરપંચ દીપકભાઈ પટેલે જણાવ્યુ હતું કે, “જો આ બાયો-મેડિકલ વેસ્ટ પ્લાન્ટ અહીં કાર્યરત થશે તો આસપાસના 22 ગામોની હજારો એકર ફળદ્રુપ જમીન બંજર બની જશે. આ વિસ્તારમાં દાડમ, લીંબુ અને સરગવા જેવા બાગાયતી પાકની મોટા પાયે ખેતી થાય છે, જે સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. એટલું જ નહીં, આ પ્રદૂષણના કારણે આસપાસના વિસ્તારના 10,000થી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થશે.” દશેરાના દિવસે સોલડી ગામે યોજાયેલા રાવણ દહનના અનોખા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાયો-મેડિકલ વેસ્ટ પ્રોજેક્ટની મંજૂરી રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ‘રસ્તા રોકો’ આંદોલન તેમજ ગ્રામજનો દ્વારા આત્મવિલોપન જેવા આત્યંતિક પગલાં ભરવામાં આવશે.








