બલિદાનને સલામી: દેશ કાજે ખપી જનાર 125 જાંબાઝોને સુરેન્દ્રનગરની ભાવભીની શ્રદ્ધાંજલિ

તા.21/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

SP પ્રેમસુખ ડેલું, નાયબ દંડક અને મેયરની ઉપસ્થિતિ; દેશના 125 અને ગુજરાતના 2 શહીદ જવાનોના બલિદાનને બિરદાવાયું, સુરેન્દ્રનગર: આજે ૨૧ ઓક્ટોબરના રોજ દેશભરની સાથે સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘પોલીસ સંભારણા દિવસ’ની અત્યંત ગંભીર અને ભાવુક વાતાવરણ વચ્ચે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દેશ અને રાજ્યની આંતરિક સુરક્ષા તેમજ નાગરિકોના રક્ષણ કાજે પોતાની જાન ન્યોછાવર કરનાર ૧૨૫ શહીદ પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનર સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ગૌરવશાળી કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, નાયબ દંડક, મેયર, જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રાજકીય- સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૨૧ ઓક્ટોબર ૧૯૫૯ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં ચીની સૈનિકોના અચાનક થયેલા હુમલા સામે લડતા લડતા CRPFના ૧૦ બહાદુર જવાનો શહીદ થયા હતા. આ શૂરવીરોના બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે ૨૧ ઓક્ટોબરને સમગ્ર દેશમાં ‘પોલીસ સંભારણા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, પાછલા એક વર્ષમાં સમગ્ર દેશમાં પોતાની ફરજ દરમિયાન આંતરિક સુરક્ષા જાળવતા ૧૨૫ જેટલા પોલીસ કર્મચારીઓએ શહાદત વહોરી છે. જેમાં ગુજરાત પોલીસના પણ ૨ જાંબાઝ જવાનોનો સમાવેશ થાય છે, જેમણે નાગરિકોના રક્ષણ અર્થે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. સવારે પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ જવાનોના સન્માનમાં વિશેષ પરેડનું આયોજન કરાયું હતું. તમામ શહીદ જવાનોના નામોનું પઠન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌ કોઈએ ૨ મિનિટનું મૌન પાળીને શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શહીદ સ્મારક પર શ્રદ્ધાસુમન અને પુષ્પચક્ર અર્પણ કરી ગૌરવપૂર્ણ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું હતું કે, “પોલીસની ફરજ ખૂબ જ કઠિન અને પડકારજનક હોય છે. પોતાના પરિવારથી દૂર રહીને, ટાઢ-તડકો કે રાત-દિવસ જોયા વગર જવાનો સતત પ્રજાની સેવામાં ખડેપગે રહે છે. શહીદ થયેલા જવાનોના આ સર્વોચ્ચ બલિદાનને દેશ અને સમાજ ક્યારેય ભૂલી શકશે નહીં.” સમાજમાં શાંતિ, સલામતી અને કાયદો- વ્યવસ્થા જાળવવામાં પોલીસ દળના અમૂલ્ય યોગદાનને સરાહ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને જવાનોએ શહીદોના દર્શાવેલા કર્તવ્યનિષ્ઠાના માર્ગે ચાલીને દેશ અને સમાજની નિઃસ્વાર્થ સેવા કરવાના દ્રઢ સંકલ્પ લીધા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો