
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્યની જાળવણી અને સિકલ સેલ રોગ અંગે જાગૃતિ લાવવાના હેતુથી PHC મોટી બુમડીના ચિંતકભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સિકલ સેલ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લઈને DTT ટેસ્ટ દ્વારા કુલ 250 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9 વિદ્યાર્થીઓના રિપોર્ટ સિકલ સેલ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓને આરોગ્ય અંગે પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આગામી તપાસ અને યોગ્ય સારવાર માટે શાળાના નોડલ ઓફિસર શિક્ષિકા એસ.આઈ. તુરાબ દ્વારા તેમને PHC મોટી બુમડી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ તપાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સિકલ સેલની સ્થિતિની વહેલી ઓળખ કરી સમયસર જરૂરી માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સિકલ સેલ રોગ અંગે માહિતી આપી આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય યુ.વાય. ટપલાએ સિકલ સેલ રોગ અંગે માહિતી પૂછતાં ચિંતકભાઈ પટેલે રોગ વિશે સમજણ આપી હતી. આચાર્યશ્રીએ પણ વિદ્યાર્થીઓને યોગ્ય આહાર અને આરોગ્યની કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્ક્રીનિંગ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ સાથે સિકલ સેલ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર તોસીફ ખત્રી








