જામનગર આઈ.ટી.આઈ.માં પાયાની સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન હોવાનો આક્ષેપ

વોશરૂમની સફાઈ, પીવાનું પાણી, ફાયર સેફ્ટી અને લિફ્ટની સમસ્યાઓ ઉકેલવા એબીવીપીનું અલ્ટિમેટમ
વિદ્યાર્થીઓને એડમિશન રદ કરવા અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૮, જામનગરની આઈ.ટી.આઈ.માં વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા કરવામાં આવ્યો છે. સંસ્થાની મુખ્ય ઇમારતમાં વોશરૂમની નિયમિત સફાઈનો અભાવ, પીવાનું અપૂરતું અને પીવાલાયક ન હોવાની ફરિયાદ, ફાયર સેફ્ટીનાં સાધનોની સમયમર્યાદા પૂર્ણ થઈ જવી તેમજ વોશરૂમ અને લિફ્ટ બંધ હાલતમાં હોવા સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માગણી કરવામાં આવી છે.
આ અંગે એબીવીપી દ્વારા તા. ૨૧ ઑક્ટોબરના રોજ કોલેજ પ્રશાસનને આવેદનપત્ર આપીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, સંગઠનના જણાવ્યા અનુસાર, સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પ્રશાસન દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓને કેટલાક પ્રોફેસરો દ્વારા ફોન પર તેમજ પોતાની કેબિનમાં બોલાવીને એડમિશન રદ કરવાની અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ પણ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે.
આ તમામ પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જામનગર નગર મંત્રી રાજવીર ગઢવી દ્વારા આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલને તા. ૨૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં આગામી ત્રણ દિવસમાં તમામ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવાની માગણી કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંદોલન કરવાની ફરજ પડશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.










