જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના નિર્દેશ અનુસાર દેશવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોમાં જમીનના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવવાના હેતુથી તા. ૨૭ ઓક્ટોબરથી તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જિલ્લા ખેતીવાડી વિભાગ તથા ભારતીય મગફળી સંશોધન સંસ્થા (આઇઆઇજીઆર), જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ અભિયાન અંતર્ગત ખેડૂતોને જમીનના સ્વાસ્થ્ય, જમીન પરીક્ષણનું મહત્વ, સંતુલિત ખાતર વ્યવસ્થાપન, જમીનની ફળદ્રુપતા જાળવવાની પદ્ધતિઓ તથા ટકાઉ ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, ખેતીની ટકાઉ ઉત્પાદકતા જાળવવા માટે જમીનના સ્વાસ્થ્યનું સંરક્ષણ અત્યંત આવશ્યક છે. જમીનની ફળદ્રુપતા જાળવવા, પોષક તત્ત્વોનું સંતુલન જાળવવા, જમીનના બગાડને અટકાવવા તથા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓના મહત્તમ ઉપયોગ માટે ખેડૂતોમાં જાગૃતિ કેળવવી સમયની માંગ છે. કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટિયાએ ખેડૂતોને રાસાયણિક ખાતરોના અતિરેકભર્યા ઉપયોગથી દૂર રહી સેન્દ્રિય તથા જૈવિક ખાતરોનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પાકની જરૂરિયાત અનુસાર પોષક તત્ત્વોનું વ્યવસ્થાપન, પાકની ફેરબદલી, પાક અવશેષોનો યોગ્ય ઉપયોગ તેમજ જમીન અને પાણીના સંરક્ષણ જેવી પદ્ધતિઓ અપનાવી ખેતીને વધુ ટકાઉ બનાવવા તેમણે ભાર મૂક્યો હતો. અભિયાન દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતો સુધી વૈજ્ઞાનિક અને ઉપયોગી માહિતી પહોંચાડવામાં આવશે. સાથે જ આધુનિક, પર્યાવરણને અનુકૂળ તથા જમીનના સ્વાસ્થ્યને જાળવતી ખેતી પદ્ધતિઓ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે.આ પ્રસંગે ભારતીય મગફળી સંશોધન સંસ્થા નિયામક, ડો. એસ.કે. બેરા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી. જાદવ, સંયુક્ત ખેતી નિયામક, જૂનાગઢ શ્રી જી.એસ. દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી, શ્રી જીગરભાઈ ભટ્ટ, નાયબ ખેતી નિયામક શ્રી ડી.જી. રાઠોડ અને સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.સી. છોડવડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







