MORBI:મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ આધારિત ‘સ્વદેશી મેળો’ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે આજથી ખુલ્લો મૂક્યો

સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે અનુપમ યોગ મંડળની બહેનો દ્વારા યોગ નૃત્યથી અદભૂત કલા કૃતિ રજૂ કરવામાં આવી હતી જે ઉપસ્થિત મહેમાનો અને લોકો માટે અવિસ્મરણીય યાદગાર ક્ષણ બની હતી.

લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ ની થીમ સાથે આજથી આગામી તા. ૫ નવેમ્બર ૨૦૨૬ સુધી મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળો’ શરૂ થઈ ગયો છે.
સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે ‘વિકાસ વાટિકા’ પુસ્તકનું પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે.
આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે. આ કાર્યક્રમો નિહાળવા અને સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

આ સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, મેયરશ્રી ઉત્તમ સુરાણી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, કમિશ્નરશ્રી સંગીતા રૈયાણી આ ઉપરાંત જિલ્લાના અનેક અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સામાજિક અગ્રણીઓ અને મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.












