વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
સર્પદંશ કેસ નોંધાયાના ૨૪ કલાકમાં જ IHIP પોર્ટલ પર વિગતો દર્શાવવી પડશે.
માંડવી,તા-૨૮ ઓક્ટોબર : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અનુસંધાને કચ્છ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જાહેર આરોગ્ય હિતમાં જિલ્લાની તમામ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ (હોસ્પિટલો/ક્લિનિક) સર્પદંશના તમામ કેસો તથા સર્પદંશથી થતાં મૃત્યુની સંબંધિત સત્તાધિકારીને ફરજિયાત જાણ અને નોંધણી કરવાની રહેશે.
આ જાહેરનામાની માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ આરોગ્ય સંસ્થામાં સર્પદંશનો શંકાસ્પદ કે સંભવિત કેસ ઓળખાય અથવા દર્દી સારવાર માટે દાખલ થાય, ત્યારથી શક્ય હોય ત્યાં સુધી ૨૪ કલાકની અંદર તેની જાણ સંબંધિત આરોગ્ય સત્તાધિકારીને નિર્ધારિત પદ્ધતિ મુજબ કરવાની રહેશે. આ ઉપરાંત, સર્પદંશના તમામ કેસો અને તેનાથી થતાં મૃત્યુની ભારત સરકારના ‘IHIP’ (Integrated Health Information Platform) પોર્ટલ પર ૧૦૦ ટકા નોંધણી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. સંબંધિત આરોગ્ય અધિકારીઓએ પણ પોતાના કાર્યક્ષેત્ર હેઠળની તમામ હોસ્પિટલોમાં આ નિયમનો કડક અમલ થાય અને સમયસર અહેવાલ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. આ વ્યવસ્થાથી સર્પદંશના કેસોની સમયસર નોંધણી થશે, જેથી રોગચાળાની યોગ્ય દેખરેખ રાખી શકાશે અને જરૂરી જાહેર આરોગ્યલક્ષી પગલાં સત્વરે લઈ શકાશે.આથી કચ્છ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓને સર્પદંશના કેસોની સમયસર જાણ કરી IHIP પોર્ટલ પર સંપૂર્ણ નોંધણી કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.








