₹૧૨.૨૫ લાખથી વધુનો ફટાકડાનો ગેરકાયદે જથ્થો ઝડપાયો, એક શખ્સ સામે ગુનો દાખલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દિવાળીના તહેવારોને ધ્યાને રાખી ગેરકાયદે ફટાકડાના વેચાણ અને સંગ્રહ સામે જૂનાગઢ જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. બાંટવા ટાઉનમાં લોહાણા સમાજની વાડી નજીક, જૂના પોલીસ સ્ટેશન સામે આવેલા ત્રણ ગોડાઉનમાં લાયસન્સ કે ફાયર સેફ્ટીના સાધનો વગર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરાયો હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને બાંટવા પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડી ₹૧૨,૨૫,૮૬૮ ની કિંમતનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે.
તપાસ દરમિયાન ગોડાઉનમાં આગ ઓલવવા માટે રેતીની ડોલ, વોટર સ્પ્રિંકલર કે સીસીટીવી જેવી કોઈ પ્રાથમિક સુવિધા નહોતી. માત્ર બે નાના ફાયર એક્સ્ટીંગ્વિશર મળી આવ્યા હતા, જે પણ એક્સપાયર થઈ ચૂક્યા હતા. આ મામલે પોલીસે સૂર્યકાંત હરિલાલ તન્ના (ઉં.વ. ૬૭, રહે. બાંટવા) સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૨૫, ૨૮૭, ૨૮૮ તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ ૧૮૮૪ ની કલમ ૯-બી(૧-બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ ગોડાઉનો પરેશ મગનલાલ રાયચુરા પાસેથી ફટાકડા સંગ્રહવા માટે ભાડે રાખ્યા હોવાનું સામે આવ્યું છે.











