ઈકો કારમાંથી દારૂ-બિયરની 936 બોટલ-ટીન કબજે; એક આરોપી ઝડપાયો, અન્ય આરોપીઓની શોધખોળ

વડાલી, સાબરકાંઠા, તા. 29: સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં કાર્યવાહી કરી રૂ. 6.88 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કોદરેલી ચોકડી પાસેથી મારૂતિ ઈકો કાર રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 936 બોટલ-ટીન મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે દારૂ-બિયરના જથ્થાની કિંમત રૂ. 3,83,481, મારૂતિ ઈકો કારની કિંમત રૂ. 3 લાખ અને મોબાઈલ ફોનની કિંમત રૂ. 5,000 સહિત કુલ રૂ. 6,88,481નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન વડાલી તાલુકાના હઠોજ/કિશનપુરા ખાતે રહેતા સંજયજી ઇશ્વરજી સરદારજી ઠાકોર (ઉં.વ. 31)ને પકડવામાં આવ્યો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. જ્યારે રવી મનજીભાઈ ભગોરા, તેનો એક મિત્ર, લાડોલના વિપુલ ઠાકોર તથા રાજસ્થાનના અંબાસા ખાતેના એક અજાણ્યા શખ્સને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે.
આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વોન્ટેડ દર્શાવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા અંગેની આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.











