મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો અને વિશ્વભરના ગુજરાતીઓને દીપાવલી પર્વ તથા વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌને સહિયારા પ્રયાસો કરવા અને ‘વી વિલ ડુ ઇટ’ના ધ્યેય સાથે આગળ વધવા મુખ્યમંત્રીનું આહવાન

 

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકો તેમજ વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને ઉત્તમ આરોગ્યનો પ્રકાશ પાથરે તેમજ દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર બને તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી છે.

 

દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે પાઠવેલા શુભેચ્છા સંદેશમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સાત કરોડ ગુજરાતીઓની સામૂહિક ઊર્જા, આત્મનિર્ભરતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને સૌએ સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે. ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના ધ્યેયને સિદ્ધ કરવા માટે ‘વી વિલ ડુ ઇટ’ના મંત્ર સાથે સૌએ એકજૂથ થઈ વિકાસયાત્રામાં સહભાગી બનવું જોઈએ.

 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દીપાવલીનું પર્વ માત્ર દીવાઓ અને રોશનીનો ઉત્સવ નથી, પરંતુ જીવનમાં નવી આશા, સકારાત્મકતા અને સંકલ્પોનો સંચાર કરતું પર્વ પણ છે. આ પર્વ આર્થિક સમૃદ્ધિ, સુશાસન, સુરક્ષા અને સામાજિક એકતાના નવા સંકલ્પો સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. નવા વર્ષની શરૂઆતમાં દરેક નાગરિકે વ્યક્તિગત પ્રગતિની સાથે રાજ્ય અને દેશના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરવો જોઈએ.

 

ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની વર્તમાન વિકાસગાથાના પાયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૧થી શરૂ કરેલી સેવા અને સુશાસનની સતત યાત્રા રહેલી છે. ‘સંકલ્પથી સિદ્ધિ’ના માર્ગે આગળ વધીને ગુજરાત આજે વૈશ્વિક સ્તરે ‘ગ્રોથ એન્જિન’ તરીકે પ્રસ્થાપિત થયું છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના શાસનમંત્રને સાકાર કરીને રાજ્યએ વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસના નવા આયામો સર કર્યા છે.

 

તેમણે પર્યાવરણ સંરક્ષણના પ્રયાસો અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘મિશન લાઇફ’ના મંત્રને આત્મસાત કરીને ગુજરાતે ગ્રીન ક્રેડિટ અને ‘એક પેડ માં કે નામ ૩.૦’ જેવા અભિયાનો દ્વારા પર્યાવરણની જાળવણી માટે નોંધપાત્ર કામગીરી કરી છે. કચ્છના રણથી લઈને ધોલેરા જેવા આધુનિક વિકાસ ક્ષેત્રો સુધી વરસાદી પાણીના સંગ્રહ, જળસંચય અને વૃક્ષારોપણના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આવા પ્રયાસો દ્વારા પર્યાવરણીય સંતુલન જાળવવાની સાથે ભાવિ પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ ઊભું કરવાનો હેતુ છે.

 

મુખ્યમંત્રીએ ખાસ કરીને યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીના અભિયાનોમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી. નવા વર્ષમાં યુવાનો વૃક્ષારોપણ, જળસંચય અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કરે તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.

 

અંતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષે રાજ્યના તમામ નાગરિકો વિકાસની નવી ઊંચાઈઓ સર કરે અને ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુ વેગ આપે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતના નાગરિકો સક્રિય સંવાહક બને અને સહિયારા પ્રયાસોથી રાજ્ય તથા દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો