કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત સુરક્ષાનાં વિવિધ પાસાંની સમીક્ષા કરી

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પોલીસ આધુનિકીકરણ, સરહદ અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

 

વર્ષ ૨૦૨૯ સુધીમાં નશામુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી અને વ્યાપક જનજાગૃતિ માટે કેન્દ્રીય ગૃહમંત્રીનું માર્ગદર્શન

 

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, નાગરિક સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલા વિવિધ સંવેદનશીલ મુદ્દાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ આધુનિકીકરણ, સરહદ અને દરિયાઈ સુરક્ષા, માદક પદાર્થોનું નિયંત્રણ, સાયબર ગુનાઓ, આપત્તિ વ્યવસ્થાપન, ફોરેન્સિક વિજ્ઞાન, આતંકવાદ નિયંત્રણ, આંતરરાજ્ય સહયોગ અને ગુનાહિત ન્યાય વ્યવસ્થા સહિતના મહત્ત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત CAA, વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ વ્યવસ્થા અને વિશેષ અદાલતો સંબંધિત મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.

 

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા દરમિયાન દુષ્કાળની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, આર્થિક ગુનાઓ, સીમાવર્તી જિલ્લાઓની સુરક્ષા વ્યવસ્થા, ગેરકાયદેસર અતિક્રમણ અને અન્ય સંવેદનશીલ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો, પોક્સો હેઠળના કેસો અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની કાર્યવાહી અંગે પણ અધિકારીઓએ માહિતી રજૂ કરી હતી.

 

ગુનાની તપાસ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી તથા અસરકારક બનાવવા માટે ICJS અને CCTNSની કામગીરી, FIR નોંધણી, આરોપપત્ર રજૂ કરવાની પ્રક્રિયા, ઈ-સાક્ષ્ય એપ્લિકેશન અને ઈ-સમન્સના અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મેડિકો લીગલ એક્ઝામિનેશન એન્ડ પોસ્ટમોર્ટમ રિપોર્ટિંગ સિસ્ટમ (MedLEaPR), મોડલ જેલ અધિનિયમ, મોડલ જેલ મેન્યુઅલ અને મોબાઇલ ફોરેન્સિક વેનની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. તપાસ પ્રક્રિયામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા તેમજ વિવિધ વિભાગોમાં માનવબળની જરૂરિયાત પૂર્ણ કરવા માટેની યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

 

ન્યાયિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્યમાં ન્યાયાલયોની કામગીરી, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ, સાંધ્ય અદાલતો, તકનિકી પુરાવાઓના ઉપયોગ અને કેસોના ઝડપી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ન્યાયાલયોમાં જરૂરી જગ્યાઓ ભરવા, સરકારી વકીલોની સંખ્યા વધારવા અને જાહેર અભિયોજન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

 

સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં વધી રહેલા પડકારોને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ નિયંત્રણ માટેની વિવિધ યોજનાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. S4Cની સ્થાપના, ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એનાલિટિકલ રિપોઝિટરી, સાયબર કમાન્ડો અને સાયબર ગુનાઓની તપાસ માટેની આધુનિક વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ હતી. ડિજિટલ છેતરપિંડી અટકાવવા, ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓ સામે કાર્યવાહી કરવા તેમજ સાયબર ગુનાઓ અંગે નાગરિકોમાં જાગૃતિ વધારવા માટેના પ્રયાસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

 

આતંકવાદ નિયંત્રણ માટેની વ્યવસ્થાઓમાં UA(P)A હેઠળ ડેડિકેટેડ સેલ, મોડલ ATSની રચના, iMOT પોર્ટલ પર નિયમિત માહિતી અપડેટ કરવા અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશી નાગરિકોના રોકાણની સમયમર્યાદા, જિલ્લાવાર તેમની સ્થિતિ, ફોરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલનો ઉપયોગ, CAA હેઠળ નાગરિકતાને લગતી માહિતી અને પ્રત્યાર્પણ સંબંધિત વ્યવસ્થાઓ અંગે પણ અધિકારીઓએ વિગતો રજૂ કરી હતી.

 

રાજ્યની સરહદી અને દરિયાઈ સુરક્ષાની સમીક્ષા દરમિયાન કોસ્ટલ સિક્યોરિટી, સીમાવર્તી વિસ્તારોમાં સંદિગ્ધ ગતિવિધિઓ પર નજર, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ, સેક્ટર સિક્યોરિટી કોઓર્ડિનેશન ગ્રૂપ, ઘૂસણખોરી અટકાવવાના પ્રયાસો, દરિયાઈ સુરક્ષા અને માછીમારી સંબંધિત કાયદાઓના અમલીકરણ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

 

આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF)ની સ્થાપના, તેની ક્ષમતા વધારવા, ઉપલબ્ધ સાધનો અને સંસાધનોની સ્થિતિ તેમજ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ (SDMF)ના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ, અમદાવાદમાં શહેરી પૂર નિવારણ માટે હાથ ધરવામાં આવેલી યોજનાઓ અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત શત્રુ સંપત્તિની વર્તમાન સ્થિતિ, આર્મ્સ લાઇસન્સ અને પર્યાવરણ સંરક્ષણ સાથે સંકળાયેલા મેન્ગ્રોવ સંરક્ષણ જેવા મુદ્દાઓ પણ બેઠકના એજન્ડામાં સામેલ હતા.

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે અગાઉ યોજાયેલી બેઠકોમાં લેવાયેલા નિર્ણયો અને સૂચનોના અમલીકરણની સ્થિતિ અંગે રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર અગાઉ આપવામાં આવેલા સૂચનોના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી.

 

મુખ્યમંત્રીના અગ્રસચિવ અને ગૃહ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગૃહ વિભાગના બજેટની જોગવાઈ અને ખર્ચ, જેલ વ્યવસ્થા, સરકારી વકીલોની ભરતી, DoP-NCL સંબંધિત લક્ષ્યાંકો, આપત્તિ વ્યવસ્થાપન, શત્રુ સંપત્તિ અને વસ્તી ગણતરી ૨૦૨૭ અંગેની કામગીરીની માહિતી આપી હતી. આ ઉપરાંત શહેરી પૂર નિવારણ, મેન્ગ્રોવ સંરક્ષણ, અગ્નિ નિવારણ સેવાઓ, વિશેષ અદાલતો અને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રકલ્પો તથા છેલ્લા પાંચ વર્ષના સંબંધિત આંકડાઓ પણ રજૂ કર્યા હતા.

 

રાજ્ય પોલીસ દળ દ્વારા ગુનાઓ અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો પોલીસ મહાનિદેશક જી. એસ. મલિકે રજૂ કરી હતી. તેમાં સરહદ વ્યવસ્થાપન, ઘૂસણખોરી અટકાવવી, અતિક્રમણ દૂર કરવું, કોસ્ટલ ડિમોલિશન, ઓપરેશન મ્યુલ હન્ટ, બોર્ડર ટૂરિઝમ, કટ્ટરતા વિરોધી કાર્યવાહી અને ૧૧૨ જનરક્ષક સેવાની કામગીરીનો સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત સાયબર છેતરપિંડી અટકાવવા માટે મિશન પ્રબોધ અંતર્ગત હાથ ધરાયેલા પ્રયાસો, ૧૯૩૦ હેલ્પલાઇનની કામગીરી, ડિજિટલ અરેસ્ટ સામેની કાર્યવાહી, સાયબર સ્લેવરી વિરુદ્ધ ઓપરેશન, આતંકવાદ નિયંત્રણ, બોમ્બની ધમકીઓની ઓળખ અને નિવારણ તથા માદક પદાર્થોના નિયંત્રણ માટેની કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા વિવિધ સૂચનોના અમલીકરણની પ્રગતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

 

બેઠકમાં વર્ષ ૨૦૨૯ સુધીમાં નશામુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યમાં માદક પદાર્થો અને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા, અસરકારક એક્શન પ્લાન તૈયાર કરવા અને તમામ સંબંધિત એજન્સીઓ વચ્ચે વધુ સંકલન સ્થાપિત કરવા સૂચના આપી હતી. નશીલા પદાર્થો સામે સઘન ઝુંબેશ ચલાવવાની સાથે સમાજના તમામ વર્ગોમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

 

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ સહિત કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળની વિવિધ સુરક્ષા અને તપાસ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્યના ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે પરસ્પર સંકલન, સહયોગ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાના વિવિધ ઉપાયો અંગે ફળદાયી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો