હજારો ગાયોની સેવામાં જીવન સમર્પિત કરનાર સાધ્વી શ્રી શારદાબેનનું દુઃખદ અવસાન

પ્રતિનિધિ દિયોદર | ફોટો છે. અહેવાલ કલ્પેશ બારોટ
વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ભેંસાણા ગામે હજારો ગાયોની સેવા અને પશુ-પક્ષીઓના કલ્યાણ માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર સાધ્વી શ્રી શારદાબેનનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના નિધનના સમાચાર સાંભળીને હજારો ગૌપ્રેમીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આજે ભેંસાણા ગૌશાળા ખાતેથી સાધ્વી શ્રી શારદાબેનની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ, ગ્રામજનો અને સેવાભાવી લોકો જોડાયા હતા. ત્યારબાદ ભારે હૈયે અને ભીની આંખે તેમને સમાધિ આપવામાં આવી હતી.
બે બહેનોએ શરૂ કરેલી નાનકડી ગૌશાળા બની સેવાનું વિશાળ વટવૃક્ષ
સાધ્વી શ્રી શારદાબેનના જીવનની વાત કરીએ તો તેમનું સમગ્ર જીવન ગૌમાતા તેમજ પશુ-પક્ષીઓની સેવામાં સમર્પિત રહ્યું હતું. સાધ્વી શ્રી શારદાબેન અને સાધ્વી શ્રી રમાબેન બંને બહેનોએ સાથે મળીને એક નાનકડી ગૌશાળાની શરૂઆત કરી હતી. સમય જતાં આ નાનકડી ગૌશાળા વિશાળ સેવાકેન્દ્રમાં પરિવર્તિત થઈ હતી અને ભેંસાણા ગામે હજારો ગાયો સહિત અનેક પશુ-પક્ષીઓને આશરો મળવા લાગ્યો હતો.
જોકે, થોડા વર્ષો અગાઉ સાધ્વી શ્રી રમાબેનનું અવસાન થયું હતું. તેમના વિરહમાં ગૌશાળામાં રહેતા તેમના પાલતુ વાનરે પણ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો અને થોડા જ દિવસોમાં તેનું પણ મૃત્યુ થયું હતું. આ હૃદયસ્પર્શી ઘટનાના સમાચાર સમગ્ર ગુજરાતમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. રાજ્યભરમાંથી લોકોએ બંને બહેનોની જીવદયા અને નિઃસ્વાર્થ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી.
આજે સાધ્વી શ્રી શારદાબેનના અવસાનથી ગૌસેવાના એક સમર્પિત અધ્યાયનો અંત આવ્યો છે. જેમની જિંદગી ગૌમાતા અને અબોલ પશુ-પક્ષીઓની સેવામાં પસાર થઈ, તેમના વિદાયના સમાચારથી ગૌપ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.








