MORBI:ખરીફ પાક સુકાવા લાગતા મોરબી તાલુકાના સરપંચો કલેક્ટર શરણે: મચ્છુ-૨ ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવા રજૂઆત
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. વરસાદના ખેંચાણને લીધે ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે. પાકને સંપૂર્ણ નિષ્ફળ જતો અટકાવવા અને ખેતીને જીવનદાન આપવાના આશયથી તાલુકાના વિવિધ ગામોના સરપંચોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને મચ્છુ-૨ ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવા માટે આવેદનપત્ર પાઠવ્યું છે.

માનસર, નારણકા, ગોરખીજડિયા, વનાળીયા, મોડપર અને બિલિયા ગ્રામ પંચાયતના સરપંચોએ એકજૂથ થઈ કલેક્ટર સમક્ષ ખેડૂતોની ગંભીર સમસ્યાઓ રજૂ કરી હતી. સરપંચોએ જણાવ્યું હતું કે જો આગામી બે-ત્રણ દિવસમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે, તો ખરીફ પાક સંપૂર્ણપણે નાશ પામશે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે.
વધુમાં રજૂઆત કરતા સરપંચોએ ઉમેર્યું હતું કે ખરીફ સીઝન નિષ્ફળ જવાની આરે હોવાથી ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. જેથી આગામી રવિ સીઝન સારી રીતે લઈ શકાય તે માટે પણ અત્યારથી જ મચ્છુ-૨ ડેમમાંથી રવિ પિયત માટે પાણીનું આયોજન કરવામાં આવે. મચ્છુ કમાન્ડ એરિયા હેઠળ આવતા તમામ ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ખરીફ અને રવિ બંને સીઝન માટે ડેમમાંથી તાત્કાલિક પાણીની ફાળવણી કરવામાં આવે તેવી મજબૂત માંગણી કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.








