
બોડેલી જૈન સમાજના સૌથી મોટા અને પવિત્ર પર્યુષણ મહાપર્વની બોડેલી તેમજ આસપાસના ગામોમાં ભક્તિભાવપૂર્વક આરાધના ચાલી રહી છે. બોડેલીના શ્રી વર્ધમાન જૈન આશ્રમ તથા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ જિનપ્રભુની પૂજા, જપ-તપ, પ્રતિક્રમણ, વ્યાખ્યાન, ભક્તિભાવના, આરતી અને પ્રભુજીની આંગી સહિત વિવિધ ધાર્મિક આરાધનાઓમાં જોડાઈ રહ્યા છે.

પર્યુષણ પર્વના પ્રથમ ત્રણ દિવસ અષ્ટાહ્નિકા વ્યાખ્યાન યોજાયા હતા. ચોથા દિવસે શ્રી કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. જ્યારે પાંચમા દિવસે માતા ત્રિશલાજીને આવેલા ચૌદ સ્વપ્નોના દર્શન કરાવવામાં આવ્યા હતા અને માતા ત્રિશલાજીને ઝુલાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે લક્ષ્મીજીના લાભનો લાભ જસવંતલાલ સોમચંદ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. તેમજ શ્રી પ્રભુજીના પારણાંનો લાભ શ્રી વર્ધમાન જૈન આશ્રમના વિદ્યાર્થીઓએ (હસ્તે દિનેશભાઈ વકરભાઈ) લીધો હતો. રાત્રિના સમયે રાત્રિ જાગરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યુષણ મહાપર્વ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા વિવિધ પ્રકારના તપ અને ધાર્મિક આરાધના કરવામાં આવી રહી છે. આશ્રમ તથા શ્રી સંઘના તપસ્વી શ્રાવકો દ્વારા અઠ્ઠાઈ સહિતના કઠિન તપ કરવામાં આવી રહ્યા છે.
આગામી 15 સપ્ટેમ્બર, 2026ના રોજ સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ભવ્ય રથયાત્રાનું આયોજન શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભા તથા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, બોડેલી દ્વારા કરવામાં આવ્યું છે. રથયાત્રામાં આસપાસના ગામોમાંથી વિવિધ શ્રી સંઘો પોતાની ભજન મંડળી સાથે જોડાશે.
બોક્સ : પર્યુષણના પાંચમા દિવસે ધાર્મિક આરાધના
– શ્રી કલ્પસૂત્રનું વાંચન
– માતા ત્રિશલાના ચૌદ સ્વપ્નોના દર્શન
– માતા ત્રિશલાજીને ઝુલાવવાનો ધાર્મિક પ્રસંગ
– પ્રભુજીના પારણાંનો લાભ
– રાત્રિ જાગરણનું આયોજન
બોક્સ : તપસ્વી રત્નોની કઠોર તપ આરાધના
શ્રી વર્ધમાન જૈન આશ્રમ તથા શ્રી સંઘના તપસ્વીઓ
1. પ્રિતેશ જયેશભાઈ – 8 ઉપવાસ
2. ભૂમિક વિજયભાઈ – 8 ઉપવાસ
3. દિપ્તી દિનેશભાઈ – 9 ઉપવાસ
4. મૈના દિનેશભાઈ – 8 ઉપવાસ
5. પ્રિતીબેન કરણકુમાર – 8 ઉપવાસ
6. ખુશી હિતેશભાઈ – 8 ઉપવાસ
7. કૃપાલી શ્રેણીકભાઈ – 8 ઉપવાસ
રિપોર્ટર તોસીફખત્રી










