MORBI:મોરબીમાં ખાખી વર્દીની માનવતા: ટ્રાફિક જવાન નરેન્દ્રસિંહ જાડેજાએ ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રાથમિક સારવાર આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

મોરબી:સામાન્ય રીતે ટ્રાફિક પોલીસની છબી વાહનચાલકોને દંડ ફટકારવા કે ટ્રાફિક નિયમન પૂરતી સીમિત મનાય છે, પરંતુ મોરબીમાં ફરજ બજાવતા એક ટ્રાફિક જવાને પોતાની સંવેદનશીલતા દર્શાવી ખાખી વર્દીનું ગૌરવ વધાર્યું છે. મોરબી ટ્રાફિક શાખાના પોલીસકર્મી નરેન્દ્રસિંહ જાડેજાએ ફરજ દરમિયાન એક ઈજાગ્રસ્ત વૃદ્ધની મદદે દોડી જઈ, જાતે જ ડ્રેસિંગ કરી પ્રાથમિક સારવાર આપતાં લોકોમાં તેમની કામગીરી પ્રત્યે ભારે આદર જોવા મળ્યો છે.

ઘટનાની વિગત મુજબ, ટ્રાફિક જવાન નરેન્દ્રસિંહ જાડેજા પોતાના પોઈન્ટ પર વાહન વ્યવહારનું નિયમન કરી રહ્યા હતા. તે દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા એક લાચાર વૃદ્ધ ઈજાગ્રસ્ત અવસ્થામાં તેમની નજરે પડ્યા હતા. વૃદ્ધ પીડાથી કણસતા હોવાનું ધ્યાને આવતાં જ નરેન્દ્રસિંહે તુરંત તેમને રસ્તાની બાજુએ સુરક્ષિત બેસાડ્યા હતા.
ત્યારબાદ કોઈ પણ પ્રકારના ખચકાટ વિના, તેમણે પ્રાથમિક સારવારની સામગ્રી મેળવી વૃદ્ધના ઘા સાફ કર્યા હતા અને યોગ્ય રીતે દવા લગાવી ડ્રેસિંગ કરી આપ્યું હતું. પોલીસકર્મી દ્વારા દર્શાવવામાં આવેલી આ માનવીયતા જોઈને ત્યાં હાજર રાહદારીઓ પણ પ્રભાવિત થયા હતા.ખાખી વર્દી પાછળ છુપાયેલી આ સંવેદનશીલતા અને સેવાભાવની સ્થાનિક લોકો તેમજ સોશિયલ મીડિયા પર ચોમેર પ્રશંસા થઈ રહી છે.










