અંજારના નગાવલાડિયા ગામ ખાતે ખરીફ પાકોની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત શિબિર/તાલીમનુ આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૨૫ સપ્ટેમ્બર : અંજારના નગાવલાડિયા ગામ ખાતે ખરીફ પાકોની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત શિબિર/તાલીમનુ આયોજન ઉન્નતિ ઓર્ગેનાઇઝેશન ખારેક સંશોધન કેન્દ્ર,મુન્દ્રા અને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ અંતર્ગત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ યોજના સંયુક્ત ઉપક્રમે કરવામા આવ્યું હતું. આ મિટિંગમાં ૫૩ જેટલા ખેડૂતો તથા ખેતી સાથે સંકળાયેલ મહિલાઓએ ભાગ લીધો હતો.

આ વિસ્તારમાં મોટાભાગે વરસાદ આધારીત ખેતી થાય છે તથા મગફળી અને એરંડા જેવા પાકોનું વાવેતર થાય છે.આ મિટિંગમાં ઉન્નતિ સંસ્થાના મુકેશભાઈ દેસાઈ, હાર્દીકભાઈ ચૌધરી તથા હેતલબેન વાઘેલા જોડાયા હતા.ખેતી વિષયક માર્ગદર્શન આપવા માટે ખારેક સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકો ડૉ. ભાર્ગવ ગોળકિયા અને ડૉ. રવી ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાજભાઈ, સિનિયર રિસર્ચ ફેલો, વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ તરફથી આ કાર્યક્રમમાં ભાગીદાર બન્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ દેસાઈએ ઉન્નતિ સંસ્થા અને તેના કાર્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. ગોળકિયા દ્વારા ખેડૂતોને જમીન ચકાસણી માટે માટીના નમૂના લેવાની યોગ્ય પદ્ધતિ અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જમીન પરીક્ષણના મહત્વ સાથે એરંડા અને મગફળી જેવા મહત્વના પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, યોગ્ય વાવેતર વ્યવસ્થાપન તથા વધુ ઉત્પાદન માટેની જરૂરી બાબતો અંગે ખેડૂતોને માહિતી આપી હતી. ઉપરાંત વિવિધ ખેતી પાકોમાં રોગની ઓળખ અને નિયંત્રણ તથા જીવામૃતની બનાવટ ઉપરાંત તેના ઉપયોગના ફાયદાઓ વર્ણવ્યા હતા. ત્યારબાદ કૃષિ નિષ્ણાત ડૉ. ડોડિયા દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી એરંડા અને મગફળીના પાકમાં આવતી વિવિધ જીવાતની સમયસર ઓળખ, પ્રાકૃતિક નિયંત્રણના ઉપાયો તથા પાક સંરક્ષણ માટેની યોગ્ય પદ્ધતિઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ખેડૂત શિબિર દરમિયાન શ્રી રાજ પરવાડીયા દ્વારા પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેના વિવિધ આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્થાનિક સંસાધનોના યોગ્ય ઉપયોગ, જમીનનું આરોગ્ય જાળવવા તથા ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી માટે પ્રાકૃતિક ખેતીની ભૂમિકા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમના અંતમાં હાર્દિક ચૌધરી દ્વારા ઉન્નતિ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખેડૂતોના હિતમાં હાથ ધરવામાં આવતી વિવિધ ખેતીલક્ષી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને ખેડૂતોના વિકાસ માટેની પહેલો અંગે માહિતી આપવામાં આવી હતી. આ ખેડૂત શિબિર દ્વારા ખેડૂતોને જમીન પરીક્ષણ, વૈજ્ઞાનિક પાક ઉત્પાદન, પ્રાકૃતિક ખેતી તથા રોગ-જીવાત વ્યવસ્થાપન અંગે ઉપયોગી અને વ્યવહારુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓ અને બહેનોની સક્રિય ભાગીદારીથી શિબિર માહિતીપ્રદ અને સફળ બની હતી.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો