વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં 12 દિવસ સુધી ચાલેલા ગણેશ મહોત્સવની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહસભર વાતાવરણમાં ભાવુક પૂર્ણાહુતિ થઈ છે.જિલ્લાના વડામથક આહવા સહિત વઘઈ, સુબિર, ગિરિમથક સાપુતારા અને આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની મૂર્તિઓનું ભવ્ય વિસર્જન કરવામાં આવ્યુ હતુ.”ગણપતિ બાપ્પા મોરિયા, પુડચ્યા વર્ષી લવકર યા” ના ગગનભેદી નારા અને ઢોલ-નગારા, તાશા તેમજ ડી.જે.ના તાલ પર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને આખા વિસ્તારનું વાતાવરણ ગણેશમય બની ગયુ હતું.સવારથી જ ડાંગ જિલ્લાનાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગુલાલની છોળો વચ્ચે શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. આહવા અને સાપુતારા જેવા વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત નૃત્યો અને વાજિંત્રો સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.વિસર્જન વેળાએ નદીઓ,કોતરડા, જળાશયો અને ચેકડેમો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ અશ્રુભીની આંખે અને આગામી વર્ષે જલ્દી આવવાના નિમંત્રણ સાથે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતુ.વિસર્જન પર્વ દરમિયાન જિલ્લામાં શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પી.આઈ.જે.કે.બારીયા, વઘઇ પી.આઈ.એ.એ.ચાવડા,સુબિર પી.આઈ.એચ.બી.પટેલ,આહવા પી.આઈ.કે.બી.શાંખલાની ટીમોએ તમામ સંવેદનશીલ વિસ્તારો અને જળાશયો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પણ વિશેષ હોમગાર્ડ અને પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા.ડાંગ જિલ્લામાં મોડી સાંજ સુધીમાં સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવાની વિગતો મળી છે. મોડી સાંજ સુધી કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો..










