તારીખ ૦૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મોટી ભાદરોલી ગામની પ્રાથમિક શાળામાં આજે સવારે અચાનક 8 ફૂટ લાંબો ધામણ સાપ દેખાતા શાળાના બાળકો અને શિક્ષકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. વર્ગખંડ નજીક સાપ દેખાતા શાળામાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે આ અંગે ગામના જાગૃત નાગરિક સૌરભભાઈ દ્વારા તાત્કાલિક જીવદયા પ્રેમી તુષારભાઈ પટેલ ને ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ જીવદયા પ્રેમી તુષાર પટેલ ગણતરીની મિનિટોમાં શાળા ખાતે દોડી આવ્યા હતા. અને તુષારભાઈએ અત્યંત સાવધાનીપૂર્વક અને હિંમતભેર 8 ફૂટ લાંબા ધામણ સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો અને તેને થેલામાં ભરી સુરક્ષિત રીતે લઈ જઈ નજીકના ખુલ્લા જંગલ વિસ્તારમાં સહીસલામત મુક્ત કરવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ બાદ તુષારભાઈ પટેલ દ્વારા શાળાના બાળકો, શિક્ષકો અને ગામના લોકો માટે એક જન જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઝેરી અને બિનઝેરી સાપ વચ્ચેનો તફાવત, ધામણ સાપ બિનઝેરી હોય છે અને ખેડૂતોનો મિત્ર છે તે અંગે સાચી વૈજ્ઞાનિક માહિતી આપી હતી. સાપ દેખાય ત્યારે ગભરાવું નહીં પરંતુ તાત્કાલિક નિષ્ણાતને જાણ કરવી તેવી સમજ પણ આપી હતી. જ્યાં શાળા પરિવાર અને ગામના લોકોએ જીવદયા પ્રેમી તુષારભાઈ પટેલની આ સરાહનીય અને સમયસૂચક કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી.











