વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

બાળલગ્ન અને બાળમજૂરી મુક્ત ડાંગ બનાવવા જાગૃતિ વધારવા આયોગની સૂચના
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં તથા જિલ્લા કલેક્ટરશ્રી એન.ડી. પરમારની ઉપસ્થિતિમાં બાળ સુરક્ષા અને અધિકારોના સુદૃઢીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં આયોગના સચિવ શ્રી ડી.ડી. કાપડીયા, સભ્યશ્રીઓ અમૃતાબેન અખિયાં અને કમલેશભાઈ રાઠોડ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક બાળક ‘સ્વસ્થ, શિક્ષિત અને સુરક્ષિત’ બને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે આંગણવાડીઓની બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા હોવાનું જણાવી બાળકોની 100 ટકા હાજરી તથા સંપૂર્ણ પોષણ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. દીકરીઓ આત્મનિર્ભર, સક્ષમ અને માનસિક રીતે મજબૂત બને તે માટે પણ અસરકારક પ્રયાસો કરવા તેમણે સૂચના આપી હતી.
આયોગના સચિવ શ્રી ડી.ડી. કાપડીયાએ રાજ્યના તમામ જિલ્લાઓને બાળમજૂરી મુક્ત, બાળલગ્ન મુક્ત અને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગવર્નન્સ તરફ લઈ જવાનો સરકારનો નિર્ધાર હોવાનું જણાવ્યું હતું. બાળકો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં નાગરિકોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ડાંગ જિલ્લાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધારવા, સીઝનલ હોસ્ટેલોમાં બાળકો માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા તેમજ સ્થળાંતર કરતા વાલીઓનું કાઉન્સેલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં બાળલગ્નો નાબૂદ કરવા માટે વ્યાપક પ્રચાર-પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમો યોજી ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ વધારવા પણ ભાર મૂકાયો હતો.
ડાંગ જિલ્લામાં બાળ અધિકારોના ક્ષેત્રે થયેલી કામગીરી બદલ આયોગ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, બાળ સુરક્ષા એકમ તથા સંસ્થાઓના પ્રતિનિધિઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની કામગીરીને પણ ચેરમેનશ્રીએ બિરદાવી હતી.
બેઠક દરમિયાન પ્રેઝન્ટેશનના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર સંઘના બાળ અધિકાર સંમેલન (UNCRC, 1989) અંતર્ગત બાળકોના ચાર મૂળભૂત સિદ્ધાંતો—ભેદભાવથી મુક્તિ, બાળકનું શ્રેષ્ઠ હિત, જીવન અને વિકાસનો અધિકાર તથા સહભાગીદારીનો અધિકાર—અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ચૌધરી સહિત જિલ્લા બાળ સુરક્ષા સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ, ચાઈલ્ડ વેલફેર કમિટી, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આયોગની ટીમે વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી
ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન આયોગની ટીમે સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સાંદિપની વિદ્યાસંકુલ અને હોસ્ટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એકલવ્ય રેસિડેન્શિયલ બોયઝ અને ગર્લ્સ સ્કૂલ, માલેગાંવની આંગણવાડી કેન્દ્ર બોરખલ તથા આહવા સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બાળકો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી તેમજ શાળાઓ અને સંસ્થાઓની ભૌતિક સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.










