પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ, ગાંધીનગરના નેજા હેઠળ વનરક્ષક-વનપાલ પંચમહાલ જિલ્લા યુનિટ દ્વારા જિલ્લા પ્રમુખ એસ.પી. હઠીલાની અધ્યક્ષતામાં આજ રોજ તારીખ ૦૫/૧૦/૨૦૨૬ ના દિવસે મેં. નાયબ વન સંરક્ષક, ગોધરા નોર્મલ ની કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યના વનરક્ષક (બીટ ગાર્ડ) તથા વનપાલ (ફોરેસ્ટર) સંવર્ગના કર્મચારીઓના હિત તેમજ રાજ્યના વન, વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને અગાઉ સરકાર તથા સંબંધિત વિભાગ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. વનરક્ષક એ રાજ્યના વન અને વન્યજીવ સંરક્ષણની કામગીરીમાં સૌથી પાયાની કેડર છે. પ્રતિકૂળ વાતાવરણ, અંતરિયાળ તેમજ સંવેદનશીલ વિસ્તારો, વન-વન્યજીવોના જોખમો અને મર્યાદિત માનવબળ વચ્ચે આ કર્મચારીઓ દ્વારા સતત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવે છે.તેમ છતાં, લાંબા સમયથી કર્મચારીઓના સેવા, વહીવટી, આર્થિક, માનવીય તથા સુરક્ષા સંબંધિત મૂળભૂત પ્રશ્નોનું નીતિગત અને માનવીય ધોરણે નિરાકરણ કરવામાં આવ્યું નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ નિકાલ ન આવતાં વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ એસ.પી. હઠીલા, ઉપપ્રમુખ એસ.પી. કટારા અને જે.વી. પુવાર, મંત્રી એસ.સી. પટેલ, ખજાનચી વી.કે. પગી, મહામંત્રી પી.જી. દામોર અને એચ.જે. પરમાર તેમજ મંડળના સલાહકારો અને મોટી સંખ્યામાં વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










