તારીખ ૦૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બરોલા ખાતે આવેલી ફલાપિનો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે મહાકાય મગર આવી પહોંચતા કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યાં કંપનીમાં સ્થાનિક મજૂરો રાત્રિના સમયે આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક અવાજ સંભળાતા તેમણે બાઈકની લાઈટના અજવાળે તપાસ કરી હતી. દરમિયાન લાઈટના પ્રકાશમાં મહાકાય મગર નજરે પડતાં મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ કંપનીના માલિકને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ વેજલપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જયા રેસ્ક્યુ કામગીરીમાં SF Nature Singh Foundationની જીવદયા ટીમે પણ સહયોગ આપ્યો હતો. ટીમના સંયુક્ત પ્રયાસોથી મગરને કોઈ જાનહાનિ વિના સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જ્યાં મગરનું સલામત રેસ્ક્યુ થતાં કંપનીના કર્મચારીઓ તથા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.











