વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
રાહ તાલુકાના ઘોડાસર ગામે ખેતરની વાડ અને શેઢા બાબતે ચાલી રહેલા વિવાદમાં મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત પરિવારના આક્ષેપ મુજબ ખેતરે વાડ કરવા અને શેઢા બાબતે વાતચીત કરવા ગયેલા પરિવારજનો પર સામા પક્ષના લોકોએ લાકડીઓ તથા લોખંડની પાઈપો વડે હુમલો કર્યો હતો.
હુમલામાં મહિલા સહિત યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયાનો પરિવારજનોનો આક્ષેપ છે.
“મમ્મી બેભાન હતી, પોલીસ કાગળ લઈ આવી અને સહી કરાવી” ત્રિભુવનભાઈ મોરીલાએ જણાવ્યું હતું કે, “બે જણા પોલીસવાળા કાગળ લઈને આવ્યા હતા. મારી મમ્મી બેભાન પડી હતી. પોલીસવાળાએ મમ્મીનો હાથ પકડી કાગળમાં સહી કરાવી અને તરત જ નીકળી ગયા. કોઈએ કંઈ પૂછ્યું પણ નહોતું.
આ નિવેદનથી બેભાન અથવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી પોલીસ દ્વારા નિવેદન/સહી લેવામાં આવી હતી કે કેમ અને તે કઈ પરિસ્થિતિમાં લેવામાં આવી હતી, તે અંગે પણ સવાલો ઊભા થયા છે. જોકે, આ બાબતની સત્તાવાર હકીકત પોલીસ તપાસ અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે જ સ્પષ્ટ થઈ શકે છે.
ઈજાગ્રસ્ત પક્ષે સરપંચ હેદુજી ઠાકોર, ચંચીબેન, પ્રભુજી ઠાકોર, નાગરાજી ઠાકોર, ભવનજી ઠાકોર સહિતના લોકો સામે એકસંપ થઈ હુમલો કરવાનો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે.
જિલ્લા પંચાયત સદસ્ય તથા ગ્રામ પંચાયતના સરપંચની કથિત દાદાગીરી અંગે પણ પરિવારજનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આરોપોની સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.











