વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રોજગારીને વેગ આપવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’નો પ્રારંભ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’નું ઉદ્ઘાટન કરાયું
દર વર્ષે કચ્છ યુનિવર્સિટીના ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિશિષ્ટ તાલીમ આપવામાં આવશે
ભુજ, ૦૪ ઓક્ટોબર ૨૦૨૬:
અદાણી સમૂહની ક્ષમતા-નિર્માણ અને કૌશલ્ય શાખા ‘અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન’ (ASE) દ્વારા કચ્છ યુનિવર્સિટીના સહકારથી ગુજરાતના ભુજ ખાતે આવેલ કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં ગ્રીન એનર્જી સંબંધિત કૌશલ્ય નિર્માણ અને ક્ષમતાવર્ધન માટેના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Center of Excellence) નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લામાં ઝડપથી વિકસી રહેલા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના કારણે નવીનીકરણીય ઉર્જા માળખાના નિર્માણ, સંચાલન અને જાળવણી માટે તાલીમબદ્ધ કાર્યબળની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. હરિત ઉર્જા ક્ષેત્રે કૌશલ્ય ઘડતરની પ્રવૃત્તિઓ દ્વારા અદાણી ગ્રુપે છેલ્લા બે વર્ષમાં કચ્છમાં ૨૧,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કર્યું છે.
આ નવતર સેન્ટર ઓફ એક્સેલન્સ નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં મૂલ્યવર્ધક ભૂમિકાઓ માટે વિદ્યાર્થીઓને સજ્જ કરશે અને પ્રોજેક્ટ્સની જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે યુવાનોને પોતાના ઘરની નજીક જ ઉદ્યોગ-સંકળાયેલ તાલીમ મેળવવાની તક પૂરી પાડશે. આ સેન્ટર દ્વારા દર વર્ષે કચ્છ યુનિવર્સિટીના ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સોલાર પીવી ટેક્નોલોજી, વિન્ડ એનર્જી, હાઇબ્રિડ સિસ્ટમ્સ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) તેમજ ડિજિટલ અને ઔદ્યોગિક ઓટોમેશનમાં વિશિષ્ટ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, તે ગ્રીન એનર્જી ક્ષેત્રે એમ્પ્લાઇડ રિસર્ચ અને ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) ને પણ પ્રોત્સાહન આપશે.
આ પહેલ અંગે વાતચિત કરતા અદાણી ગ્રુપના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “ભારતના ભવિષ્યને આકાર આપતા ક્ષેત્રોમાં કામ કરવાનો અદાણી ગ્રુપનો હંમેશા પ્રયાસ રહ્યો છે. ગ્રીન એનર્જી દેશની પ્રગતિ અને આપણી ભાવિ પેઢી બંને માટે અત્યંત મહત્વનું ક્ષેત્ર છે. આ વૈશ્વિક સેન્ટર ઓફ એક્સેલન્સ એ ખાતરી કરશે કે વિદ્યાર્થીઓ માત્ર નોકરીઓ માટે જ નહીં, પરંતુ ભારત અને વિશ્વભરમાં ઉભરતી નવી તકો માટે પણ સંપૂર્ણ રીતે સજ્જ બને.”
અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના સી.ઈ.ઓ. શ્રી રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે, “ઝડપથી વિકસી રહેલા રિન્યુએબલ એનર્જી ઉદ્યોગ સામે જરૂરી વિશિષ્ટ તાલીમબદ્ધ કાર્યબળ તૈયાર કરવાનો શૂન્યવકાશ પૂરો કરવા અમે કચ્છ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. વર્ગખંડ અને વ્યવહારુ શિક્ષણના સમન્વયથી અમે વિદ્યાર્થીઓને શિક્ષણથી રોજગાર તરફ સગવડતાપૂર્વક આગળ વધવામાં મદદ કરીશું.”
ભારત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ-આધારિત ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે, જે મોટા પાયે માળખાકીય સુવિધાઓ અને વિશેષ તકનીકી કુશળતાની માંગ ઉભી કરે છે. કચ્છમાં અદાણી સમૂહ દ્વારા ખાવડા ખાતે ૫૩૮ ચો.કિ.મી. વિસ્તારમાં ૩૦ ગીગાવોટનો વિશાળ નવીનીકરણીય ઉર્જા પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે, જે સૌર, પવન, ઉર્જા સંગ્રહ અને ડિજિટલ તકનીકોમાં કુશળ કાર્યબળની વ્યાપક માંગ ઉભી કરશે.
વર્ગખંડ શિક્ષણ, સિમ્યુલેશન આધારિત પ્રેક્ટિકલ અને વ્યવહારુ તાલીમને આવરી લેતું આ સેન્ટર ‘શીખો, પ્રેક્ટિસ કરો, અનુભવ મેળવો અને પ્રમાણિત થાઓ’ના માળખા પર કામ કરશે. તેના અભ્યાસક્રમમાં સોલાર PV, વિન્ડ એનર્જી, BESS, માઇક્રોગ્રીડ્સ, SCADA (સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન), IoT આધારિત ઉર્જા ડેટા અને સ્માર્ટ-ગ્રીડ તકનીકોનો સમાવેશ થાય છે. આ પહેલ મારફતે વિદ્યાર્થીઓને ઉદ્યોગ-આધારિત વાસ્તવિક અનુભવ મેળવવાની સાથે સ્થાનિક સ્તરે જ ગ્રીન એનર્જી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક મળશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com











