દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકાર સાથે કથિત છેડતીના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ સંયોજક સૌરભ દાસે દિલ્હી પોલીસને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો સોમવાર બપોર સુધી દિલ્હી પોલીસ ACP વિરુદ્ધ FIR નહીં નોંધે, તો પત્રકારો અને અન્ય પ્રદર્શનકારીઓ ફરીથી પોલીસ સ્ટેશન આવશે અને FIRની કોપી લઈને જ પાછા ફરશે.

સૌરભ દાસે દિલ્હી પોલીસ પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, ‘પોલીસ એસીપી વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચી રહી છે અને તેમને રક્ષણ આપી રહી છે. પીડિત મહિલા પત્રકાર અને અન્ય લોકો ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કરી રહ્યા હતા, છતાં પોલીસે કોઈ પગલાં લીધાં નહોતા. જ્યારે અમે સમર્થન માટે પહોંચ્યા ત્યારે પણ પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી પોલીસને સોમવારે બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને જો આ સમયમર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.’
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને ચાલી રહેલા દેખાવો વચ્ચે આ વિવાદ વધુ વકર્યો છે. આ મામલે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે 3 ઓક્ટોબરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બનેલી આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે તમામ ફરિયાદો અને કેસને કમલા માર્કેટ સ્થિત ‘ક્રાઈમ બ્રાન્ચ’ને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.











