વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

રક્તદાન શિબિરમાં ૧૬ લોકોએ રક્તદાન કર્યું; ૨૧૯ લોકોએ નેત્ર સારવાર અને ૩૫૦ લોકોએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો
સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લાના સાકરપાતળ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભવ્ય મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રક્તદાન, નેત્ર નિદાન-સારવાર તથા આયુર્વેદિક નિદાન-સારવાર સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ એમ. ગાવિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રક્તદાન શિબિરમાં ૧૬ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જ્યારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંચાલિત સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા નેત્ર કેમ્પમાં ૨૧૯ લોકોએ મોતિયા, નજર અને ચશ્માના નંબર સહિતની તપાસ તથા સારવારનો લાભ લીધો હતો.
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, આહવા-ડાંગની ટીમ દ્વારા આયુર્વેદિક ઔષધી અને પંચકર્મ સારવાર આપવામાં આવી હતી. જેમાં ૨૬૦ લોકોએ આયુર્વેદિક ઔષધી સારવાર અને ૯૦ લોકોએ પંચકર્મ સારવાર, મળી કુલ ૩૫૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આમ, સમગ્ર મેગા આરોગ્ય કેમ્પમાં કુલ ૫૮૫ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો.










