વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
કચ્છ જિલ્લામાં ઘાસની જરૂરીયાતને પહોંચી વળવા માટે 52 ઘાસડેપો કાર્યરત : અત્યારસુધી 17.35 લાખ કિ.ગ્રા ઘાસ પશુઓ માટે અપાયું.
27,750 ઘાસકાર્ડ ઇશ્યુ કરાયા : કચ્છમાં સક્રીય રીતે ચાલતું ઘાસચારા વિતરણ.
જિલ્લામાં ઘાસ અને પાણીની પરિસ્થિતિ મૂદે્ કચ્છ કલેક્ટર દ્વારા નિયમિત કરાતી સમીક્ષા.
ભુજ,તા-૧૦ સપ્ટેમ્બર : કચ્છમાં વિલંબિત વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના માલધારીઓ તથા પશુઓને ઘાસ તથા પીવાના પાણી મુદે્ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સક્રીય રીતે કામગીરી કરી રહ્યું છે. કચ્છમાં પશુઓ માટે ઘાસ અને પાણીની વિતરણ વ્યવસ્થા મુદે્ કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા દ્વારા નિયમિત સમીક્ષા કરાઇ રહી છે. વર્તમાન સમયમાં કચ્છમાં 52 ઘાસડેપો પરથી સક્રીય રીતે પશુઓની જઠરાગ્નિ ઠારવા ઘાસ વિતરણ ચાલુ છે. આ અંગે અધિક કલેક્ટર પ્રણવ વિઠાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની વર્ષાઋતુમાં નોંધપાત્ર વરસાદ ન પડવાથી કચ્છ જિલ્લામાં ઘાસચારાની જરૂરીયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સક્રીય કામગીરી કરાઇ રહી છે.
કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના નેતૃત્વમાં સમગ્ર વહીવટીતંત્ર દ્વારા માલધારીઓ તથા પશુઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ઘાસચારા વિતરણથી લઇને પીવાના પાણી માટે સુદ્ઢ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દૈનિક આવતી ઘાસ અને પાણીની માંગને ધ્યાને લઇને તે દિશામાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે
અધિક કલેકટર એ કચ્છમાં ઘાસચારાના અત્યારસુધીના વિતરણનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં વર્તમાન સમયમાં 52 ઘાસડેપો કાર્યરત કરાયા છે, જેમાં 27,750 ઘાસકાર્ડ ઇશ્યુ કરાયા છે. ઉપરાંત જેમ જેમ ઘાસકાર્ડની અરજીઓ આવી રહી છે તે મુજબ ઘાસચારા વિતરણની વ્યવસ્થા ચાલુમાં છે. અત્યારસુધી કચ્છમાં પશુપાલકોને 17.35 લાખ કિ.ગ્રા ઘાસનું વિતરણ કરાઇ ચૂક્યું છે.
સમગ્ર કચ્છમાં પશુપાલકોની જરૂરીયાતો તથા પાણી તથા ઘાસની પરિસ્થિતિ તથા તેની વ્યવસ્થા સંદર્ભે કલેક્ટર દ્વારા સતત બેઠક યોજીને નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.











