MORBI:મોરબી જમીન સંપાદન અને MRC મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનો ઉગ્ર વિરોધ; દિવાળી પછી યોજાશે ‘મહા કિસાન પંચાયત’


મોરબી:જિલ્લામાં જમીન સંપાદન અને માર્કેટ રેટ કમિટી (MRC) સંદર્ભે ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો છે. રેવન્યુ તલાટી મારફતે કલેક્ટર તંત્ર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસો તેમજ સરકારના વિવાદાસ્પદ પરિપત્ર સામે મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટતાની માંગ કરી હતી.
વિરોધના મુખ્ય કારણો અને ખેડૂતોના આક્ષેપો નોટિસના ‘મુદ્દા નંબર-૪’ સામે તીવ્ર વાંધો: ખેડૂત પ્રતિનિધિઓએ જણાવ્યું કે નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે જો ખેડૂત કે તેમના પ્રતિનિધિ હાજર નહીં રહે, તો પ્રશાસન પોતાની રીતે વેલ્યુઅર નિમીને બજારભાવ નક્કી કરી દેશે. ખેડૂતોએ પ્રશાસનના આ વલણને એકતરફી અને બળજબરીપૂર્વકનું ગણાવી તેનો સખત વિરોધ કર્યો છ

૪/૭ ના પરિપત્રનો બહિષ્કાર: ખેડૂતોના મતે સરકારનો તારીખ ૪/૭ નો પરિપત્ર કાયદા વિરુદ્ધનો છે. અગાઉ આશરે ૩૬૫ જેટલી ગ્રામ પંચાયતોએ પોતાના લેટરપેડ પર આ પરિપત્ર અમાન્ય હોવાનું સત્તાવાર લખાણ આપેલું છે, તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે.ગેરમાર્ગે દોરવાનો આરોપ: વહીવટી તંત્ર દ્વારા ગામડે-ગામડે જઈને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.
જ્યાં સુધી ખેડૂતોની મુખ્ય માંગણી—જેમાં ૪૦૦% અને ૨૬૦% મુજબ યોગ્ય વળતર આપવાનો સમાવેશ થાય છે—સ્વીકારવામાં ન આવે અને તેને અનુરૂપ નવો પરિપત્ર જાહેર ન થાય, ત્યાં સુધી માર્કેટ રેટ કમિટી (MRC) ની કોઈપણ બેઠકમાં બેસવાનો ખેડૂતોએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
ખેડૂત આગેવાનોએ આ આંદોલનને વધુ વ્યાપક બનાવવાની જાહેરાત કરી છે. તમામ ૧૮ આલમ, વિવિધ સમાજના ટ્રસ્ટો, મંદિરો તેમજ સાધુ-સંતોનો સંપર્ક સાધીને જનસમર્થન મેળવવામાં આવશે. દિવાળી પછી મોરબી જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોને એકઠા કરી ‘મહા કિસાન પંચાયત’નું આયોજન કરવામાં આવશે, જેમાં આગળની લડતની રણનીતિ ઘડવામાં આવશે.

ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કલેક્ટર દ્વારા નોટિસના મુદ્દા નંબર-૪ અંગે લેખિત કે સંતોષકારક સ્પષ્ટીકરણ આપવામાં નહીં આવે, ત્યાં સુધી આ મુદ્દે લડત ચાલુ રહેશે.












