Dahod:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દાહોદ સબ જેલના બંદીવાનો માટે જીવનવૃતાંત આધારિત પરીક્ષાનું આયોજન

જેલોના પોલીસ મહાનિદેશક ડૉ.
કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી. બારોટ સાહેબ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના પૂર્વ સંધ્યાએ દાહોદ સબ જેલ ખાતે બંદીવાનોમાં દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, વિચારો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી એક અનોખી પહેલના ભાગરૂપે તેમના જીવનવૃતાંત આધારિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંગે જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પૂર્વે બંદીવાનોને તેમના જન્મ, પરિવાર, શૈક્ષણિક જીવન, જાહેર જીવન, જીવનમૂલ્યો તથા અખંડ ભારતના નિર્માણમાં તેમની ઐતિહાસિક ભૂમિકા વિશે જાણકારી મળે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી બંદીવાનોના જીવનમાં સકારાત્મક સુધારો તથા પરિવર્તન આવે તેવા ઉમદા આશયથી આ પરીક્ષા યોજવામાં આવી હતી.પરીક્ષા પૂર્વે બંદીવાનોને સરદાર સાહેબના જીવન અને કાર્યો અંગેની વાંચન સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. બંદીવાનોએ આ સામગ્રીનો અભ્યાસ કર્યા બાદ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લીધો હતો. આ પરીક્ષામાં અંદાજે ૬૧ બંદીવાનોએ ગુજરાતી માધ્યમમાં અને ૨૬ બંદીવાનોએ હિન્દી માધ્યમમાં ભાગ લીધો હતો. પરીક્ષા બહુવિકલ્પીય (MCQ) પદ્ધતિથી લેવામાં આવી હતી, જેમાં ૬૦ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર બંદીવાનોને તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ડિફેન્સ કાઉન્સેલ એડવોકેટ હરીશભાઈ, એડવોકેટ મમતાબેન તથા પેરા લીગલ વોલન્ટિયર (PLV) હિરાલાલભાઇ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બંદીવાનોને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનપ્રસંગો, રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ, અડગ નિષ્ઠા અને અખંડ ભારતના નિર્માણમાં તેમના ઐતિહાસિક યોગદાન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.વધુમાં, જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે, તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ સબ જેલ ખાતે દેશની એકતા અને અખંડિતતા જાળવવાના શપથ લેવડાવવામાં આવશે. ત્યારબાદ બંદીવાનો અને જેલ સ્ટાફની સહભાગિતાથી ‘રન ફોર યુનિટી’નું પણ આયોજન કરવામાં આવશે આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ બંદીવાનોમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ, સદ્વિચારો અને જીવનમૂલ્યોનું સિંચન કરી તેમને સમાજના જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કરવાનો છે









